વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ:દાહોદમાં ઉંચા વ્યાજે શોષણ કરતા ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાતા ફફડાટ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દાહોદમાં તગડા વ્યાજે નાણાંધીરી પઠાણી ઉઘરાણી કરતા તત્વો સામે પોલીસ ઝુંબેશ હાથ ધરવામા આવી છે.ત્યારે આવા વધુ બે વ્યાજખોર સામે દાહોદ પોલીસ મથકોમા ફરિયાદો નોંધાવાઈ છે.

મહિલાને વ્યાજખોરોએ ધમકીઓ આપી
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ પરેલમાં એકાઉન્ટ કોલોનીના કવાટર નંબર 1573/એ માં રહેતા નિરબાબેન સુનીલભાઈ રમેશભાઈ ભુરીયાએ મકાન બનાવવા માટે જમીન લેવા સારૂ દાહોદ ગોધરા રોડ પ્રેમ નગરમાં રહેતા વિરલ ચંદ્રવદન કંથારીયા પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા 2,50,000 લીધા હતા.યુકો બેન્કના ત્રણ બ્લેન્ક ચેક સુનીલભાઈની સહીવાળા જામીનગીરી મા આપ્યા હતા.ત્યારબાદ માસિક રૂા. 25,000 વ્યાજ પેટેલ 15 મહિના સુધી કુલ રૂા. 3,75,0000 ભરી દીધા હતા. તેમ છતાં નિરમાબેન ભુરીયા તથા તેમના ઘરના સભ્યોને વિશ્વાસમાં લઈ તેઓના ચેકોમાં ખોટી રકમ લખી ચેક બાઉન્સ કરાવડાવી વ્યાજના રૂપિયા બાકી છે તેમ કહી વ્યાજના વધુ રૂપિયા વસુલી લેવા માટે નિરમાબેનને વ્યાજખોર વિરલ ચંદ્રવદન કંથારીયા તથા હિરલ ઉર્ફે ભુરીયો ચંદ્રવર્ધન કંથારીયાએ ગાળો આપી માર મારવાની ધમકીઓ આપી હતી.બ્લેન્ક ચેક લઈ ખોટી રકમ ભરી ખોટી રકમવાળો ચેક બેન્કમાં રજુ કરી ચેક બાઉન્સ કરાવડાવવા છેતરપીંડી કરી છે.

આ મામલે નિરમાબેન સુનીલભાઈ ભુરીયાએ દાહોદ બી. ડીવીઝન પોલિસ સ્ટેશને નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે વિરલ ચંદ્રવદન કંથારીયા તથા તેના ભાઈ હિરલ ઉર્ફે ભુરીયો ચંદ્રવર્ધન કંથારીયા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી તે બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પતિને ધમકીઓ આપતાં પત્નીએ ફરિયાદ નોંધાવી
જ્યારે વ્યાજખોરીના બીજા બનાવમાં દાહોદ, પોલિસ લાઈન રોડની બાજુમાં સીંધી સોસાયટીમાં રહેતા 46 વર્ષીય મમતાબેન હીરાલાલ ગુલાબરાય મનસુખાની(સિંધી)ના પતિએ તા. 15/6/17 ના રોજ દાહોદ અભિલાષા હોટલ પાસે ગારખાયા ખાતે રહેતા અજયભાઈ બાબુભાઈ ભોઈ પાસેથી 5 ટકાના વ્યાજે રૂપિયા 5 લાખ લીધા હતા .અને દાહોદ, ગોધરારોડ, સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતા કિરણ ઉર્ફે લાલો જગદીશચંદ્ર પંચાલ પાસેથી તા. 16/3/18 ના રોજ 5 ટકાના વ્યાજે રૂપિયા 15 લાખ લીધા હતા. જે વ્યાજ સહીતના નાણા આપી દીધેલ હોવા છતાં મમતાબેન સીંધીના પતિ હીરાલાલ ગુલાબરાય મનસુખાની પાસેથી વધારે પૈસા કઢાવવા ગાળો આપી મારમારવાની ધમકીઓ આપી રહ્યા છે.

આ સંબંધે મમતાબેન હિરાલાલ મનસુખાનીએ આપતાં એ ડીવીઝન પોલિસ મથકે અજયભાઈ બાબુભાઈ ભોઈ તથા કિરણ ઉર્ફે લાલો જગદીશચંદ્ર પંચાલ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...