સશસ્ત્ર હુમલો:​​​​​​​દાહોદના ખરોદામાં છોકરી ભગાડી જવાની અદાવતે સાત લોકોના ટોળાએ ધિંગાણું મચાવતાં ફરિયાદ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં ઘુસી તોડફોડ કરી રિક્શા તોડી નાખી, દાહોદ તાલુકા પોલીસે ફરિયાદ નોંધી

દાહોદ તાલુકાના ખરોદા ગામે છોકરી ભગાડી લઈ જવાના મામલે સાત ઈસમોના ટોળાએ સશસ્ત્ર હુમલો કર્યો હતો. ટોળાએ મારક હથિયારો સાથે મહિલા સહિત સાતથી આઠ વ્યક્તિને હથિયારોથી માર મારી શરીરે તેમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. તેમજ ઘરમાં ઘુસી જઈ ઘરમાં તોડફોડ કરી તેમજ એક રીક્ષાની તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. જેના પગલે પંથકમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો હતો અને આ સંબંધે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ તાલુકાના ખરોદા ગામે મોટી બારમ ફળિયામાં રહેતો સુભાષ હિરાભાઈ નિનામા, પિના સુરસીંગભાઈ નિનામા, પિન્ટુ હાંજુભાઈ નિનામા, ગોવિંદ મેહજીભાઈ નિનામા, જવલા દલસીંગભાઈ નિનામા, પ્રકાશ સોબાનભાઈ નિનામા અને સુનિલ હિરાભાઈ નિનામા એકસંપ થઇ મારક હથિયારો સાથે પોતાના ગામમાં રહેતાં અલ્પનાબેન રીતેશભાઈ ડામોરના ઘરે આવ્યાં હતાં. જ્યાં બેફામ ગાળો બોલી, અમારી ભાણેજને તમારો કુટુંબી લઈ ભાગી ગયો છે અને તમે સંતાડી રાખ્યા છે તેમ કહી ઉશ્કેરાઈ ગયાં હતાં.

શખ્સોએ અલ્પનાબેન, રાહુલભાઈ મહેશભાઈ ડામોર, મયુરભાઈ રમેશભાઈ ડામોર, મડીબેન ધનાભાઈ ડામોર, માનાબેન ગોરધનભાઈ ડામોર, વિનોદભાઈ ગોરધનભાઈ ડામોર, રિતેષભાઈ અને દિલીપભાઈ અભેસીંગભાઈ ડામોરને હથિયારો વડે, લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. તેમજ શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઘરમાં ઘુસી જઈ ટોળાએ તોડફોડ કરી તેમજ રીક્ષાની પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું. આ સંબંધે ઈજાગ્રસ્ત અલ્પનાબેન રીતેષભાઈ ડામોરે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...