તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બસમાં બબાલ:ઝાલોદના ફુલપુરામા એસ.ટી બસ ઉભી રખાવી ચાલક અને કંડક્ટરને માર મારતાં ફરિયાદ નોંધાઇ

દાહોદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અહી બસ કેમ ઉભી રાખતા નથી તેમ કહી લાકડીઓ ફટકારી

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગામે રોડ ઉપરનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં ત્રણ જેટલા ઈસમોએ રોડ ઉપર ઉભા રહી ત્યાંથી પસાર થઈ રહેલી એક એસ.ટી.બસને ઉભી રખાવી બસમાં ચઢી બસ ઉભી કેમ નથી રાખતાં, તેમ કહી ડ્રાઈવર અને કંન્ડક્ટરને લાકડીઓ વડે માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી સરકારી કામમાં રૂકાવટ ઉભી કરતાં આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.

એસ.ટી. વિભાગમાં કંડક્ટર તરીકે ફરજ બજાવતાં માલસીંગભાઈ રસીયાભાઈ હઠીલા (રહે. પારેવા, હઠીલા ફળિયું, તા. ઝાલોદ, જિ.દાહોદ) અને તેમની સાથે એસ.ટી. બસના ડ્રાઈવર એમ બંન્ને જણા પોતાના કબજાની એસ.ટી.બસ લઈ એસ.ટી. બસમાં ભીમપુરીથી પેસેન્જરો ભરી ઝાલોદ આવતાં હતાં અને ઝાલોદના ફુલપુરા ગામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન બપોરના બે વાગ્યાના આસપાસ ફુલપુરા ગામે બારીયા ફળિયામાં રહેતાં જવસીંગભાઈ મગનભાઈ બારીયા, ગૌતમભાઈ રૂપાભાઈ ડામોર અને કલ્પેશભાઈ રમેશભાઈ ડામોરનાઓ પોતાની સાથે લાકડીઓ અને સોટાઓ લઈ રસ્તાની સાઈડમાં ઉભા હતાં અને બસ આવતાની સાથે બસને ઉભી રખાવી બસમાં ચઢી જઈ એસ.ટી.બસના કંડક્ટર અને ડ્રાઈવરને બેફામ ગાળો બોલી કહેવા લાગેલા કે, તમો બસ ખાલી કેમ લઈ જાવો છો?

તેમ કહેતાં બસના કંડક્ટર મલસીંગભાઈએ કહેલુ કે, અમોને રોડ ઉપર જે કોઈ પેસેન્જરો મળે છે તેઓને અમો લઈ જઈએ છીએ, તમો ગાળો કેમ બોલો છો અને આ મામલે બસના ડ્રાઈવરે પણ કહેલ કે, તમને શું તકલીફ છે, ગાળો કેમ બોલો છો, તેમ કહેતા ઉપક્તો ત્રણેય જણા એકદમ ઉશ્કેરાયાં હતાં અને લાકડીઓ વડે એસ.ટી. બસના કંડક્ટર અને ડ્રાઈવરને માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે એસ.ટી. બસના કંડક્ટર મલસીંગભાઈ રસીયાભાઈ હઠીલાએ ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...