દાહોદ જિલ્લામાં વ્યાજખોરોના આતંક વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં એક વ્યક્તિએ એક ઈસમ પાસેથી એક લાખ રૂપિયા વ્યાજે લીધાં બાદ નીયત મુદત કરતાં પાંચ દિવસ વધી જતાં નાણાંની ભરપાઈ સમયસર ન કરી શકતાં વ્યાજે પૈસા આપનાર ઈસમ દ્વારા તેની દુકાને જઈ ઝઘડો તકરાર કરી પરિવારને મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવાઈ છે.
લીમડીમાં ગારીવાસ વિસ્તારમાં રહેતો રાજકુમાર ઉર્ફે રાજુભાઈ રમણભાઈ ગોહિલે પોતાના વિસ્તારમાં રહેતાં વિકાસ પ્રકાશચંદ્ર જૈનને બે મહિના પહેલા રૂપિયા 1,00,000 બે મહિનાના વાયદે રૂા. 35,000 વ્યાજ સહિત ભરપાઈ કરવાની શરતે આપ્યાં હતાં. આ રૂપિયા સમયમર્યાદાના પાંચ દિવસ વધી જતાં પેનલ્ટીના રૂા.18,000 માંગણી કરી લીમડીમાં નહીં રહેવા દેવા તથા પત્નિ તથા છોકરા સાથે મારી નાંખવાની ધાકધમકીઓ આપતાં રૂા. 13,000 રાજભાઈને વિકાસે આપ્યાં હતાં અને બીજા રૂા. 5,000 આપવાના બાકી હતાં.
બાકી 5000 રૂપિયાની અવાર નવાર ઉઘરાણી કરી વિકાસની દુકાનમાં ગેરકાયદે પ્રવેશ કરી વિકાસનો મોબાઈલ ફોન માંગતાં વિકાસે આપવાની ના પાડતાં રાજભાઈએ મોબાઈલ લઈ નાસી જઈ મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે વિકાસ પ્રકાશચંદ્ર જૈન દ્વારા લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.