દાહોદ આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૂપે જળશક્તિ અભિયાનના ભાગરૂપે 75 અમૃત સરોવર બનાવવાનું વચન લીધુ હતું. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર , જિલ્લા પંચાયત , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દાહોદ જિલ્લામાં કુલ 75 અમૃત સરોવર બનાવવાનું આયોજન ઘડી કાઢ્યુ છે. જેમાં સિંચાઈ વિભાગ (રાજ્ય) દ્વારા 3 , સિંચાઈ વિભાગ (પંચાયત) દ્વારા 41 અને મનરેગા યોજના અંતર્ગત કુલ 38 અમૃત સરોવર બનાવવામાં આવી રહ્યા છે.
આ સાથે સુજલામ સુફલામ જળઅભિયાન અંતર્ગત દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં કુલ 1090 જળસંચય અને જળસંગ્રહના કામો કરવામાં આવી રહ્યા છે. દાહોદ જિલ્લામાં ચાલુ સપ્તાહમાં જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ કુલ 70000થી વધુ શ્રમિકો તળાવ ઊંડા, ચેકડેમ ઊંડા, નવીન ચેકડેમ, કેનાલ સફાઈ, કેટલશેડ, જૂથ સિંચાઈ કુવા વિગેરે જેવા કામો પર કામ કરી રોજગારી મેળવી રહ્યા છે.
કામના સ્થળ પર શ્રમિકોને પીવાના પાણી, છાયડો, આરોગ્યની બાબતોનું પણ પુરતું ધ્યાન આપવામાં આવી રહ્યું હોવાનું નેહાકુમારીએ જણાવ્યુ હતું. સરકારના નવીન અભિગમ અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત મોનિટરિંગ કરી જિલ્લાના વધુમાં વધુ શ્રમિકોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળી રહે તથા ગ્રામ્ય કક્ષાએ ગુણવત્તા સભર અસ્ક્યામતનું નિર્માણ થાય અને ગ્રામજનોના જીવનધોરણમાં સુધારો થાય ખેડૂતોની આવકમાં વધારો તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું ઉમેર્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.