વર્ષોથી ગુજરાતી અખબારો વાંચવાના શોખીન એવા મૂળ દાહોદના મુંબઈ સ્થિત આધેડ વયના નિવૃત્ત મ્યુનિ. અધિકારી અનંતભાઈ મહેન્દ્રભાઈ દેસાઈ, ગત વર્ષે અમેરિકામાં કેલિફોર્નિયા ખાતે રહેતા દિકરા અભિન દેસાઈને ત્યાં ગયેલા. ત્યાં તા.22.7.21 રાતના જમીને ચાલવા જતી વેળા એટેક આવ્યો અને સત્વરે તેમનો દિકરો નજીકની મોટી હોસ્પિટલમાં પણ લઈ ગયો. જ્યાં તબીબે તૈયારીમાં ત્રણ સ્ટેન્ટ પણ મુક્યાં. પરંતુ બાદમાં પલ્સ સતત ઘટતા અનંતભાઈનું આકસ્મિક અવસાન થયું.
અંતિમ વિધિ માટે ત્યાંના સ્થાનિક તંત્ર દ્વારા પાંચ દિવસ બાદનો સમય મળતાં તા.27 જુલાઈએ નિર્ધારિત થયેલ તેમની અંતિમવિધિ અગાઉ તેમના પત્ની દિપીકાબેન સહિત પુત્ર અભિન અને પુત્રી અદિતીએ પોતાના વાંચનપ્રિય પિતાના કોફિન ઉપર અમેરિકાથી પ્રકાશિત થતા ગુજરાતી અખબારની અનંતભાઈના મૃત્યુ બાદની લેટેસ્ટ આવૃત્તિ મુકવાનો નિર્ણય લીધો હતો અને તેમની અંતિમવિધિ ટાણે ઘી, અબીલ, કંકુ વગેરે સાથે હિંદુ સંસ્કાર મુજબની તમામ વિધિ કરવા સાથે શબ સાથે કેલિફોર્નિયામાં છેક ન્યુજર્સીથી કુરિયરથી લેટેસ્ટ ગુજરાતી દૈનિક મંગાવી કોફીનમાં ગોઠવી પિતાને સમયોચિત સાચી શ્રદ્ધાંજલિ આપી હતી.
સાથે જ અનંતભાઈ, ઇલેક્ટ્રિક કેચીમાં અંતિમ સંસ્કાર પામ્યા હતા.વાંચનના ભારે શોખીન અનંતભાઈ મુંબઈ વસવાટના છેલ્લા 40 જેટલા વર્ષોથી અંગ્રેજી અખબારો ઉપરાંત અનેક ગુજરાતી દૈનિકો વેચાતા લઈ વાંચતા! તેઓ પ્રવાસ દરમ્યાન પણ ગમે ત્યાં હોય પણ સ્થાનિક બુકસ્ટોલ ઉપરથી શક્યત્ ગુજરાતી દૈનિકો વેચાતા લાવીને વાંચતા. છેલ્લા કેટલાક વર્ષોથી વાંચન વગેરે ઓનલાઈન થતું જાય છે તેવા સમયે ગુજરાતી અખબાર જગત માટે મોટી વાત છે.
અનંતભાઈએ આશરે 50 દેશોનો પ્રવાસ કર્યો છે
મૂળ દાહોદના વૈષ્ણવ જ્ઞાતિના ઈજનેર અનંતભાઈ દેસાઈને આરંભે છૂટીછવાઈ નોકરીઓ બાદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં નોકરી મળી અને ક્રમશ: અધિકારીના સ્થાન સુધી પહોંચ્યા. સાથે શેરબજારમાં પણ સક્રિય એવા અનંતભાઈ આર્થિક સંપન્ન બન્યા બાદ નોકરીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ વર્ષોજુની હરવાફરવાની ઈચ્છા પુરી કરવામાં લાગ્યા અને ગત 15 વર્ષોમાં દુનિયાના 50 જેટલા દેશોનો પ્રવાસ કર્યો. દિકરા- દિકરી લગ્ન બાદ અમેરિકા સેટ થતાં દર વર્ષે એક વખત તો અમેરિકા આવતા જતા રહ્યાં. અનંતભાઈ દાહોદ પંથકની કમળકાકડી, મૂરાળા કે ટીમરવા જેવી દેશી આઈટમોથી લઈ વૈષ્ણવ હવેલીની સખડી કે દાહોદના સેવ- કચોરીના વિશેષ શોખીન હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.