દાહોદ જિલ્લામાં 23 જૂનથી શાળા પ્રવેશોત્સવ શરુ થયો છે. જેમાં 50,000 કરતાં વધુ બાળકોને પ્રવેશ આપવાનો છે, ત્યારે જિલ્લામાં તમામ તાલુકાઓની કેટલીક પ્રાથમિક શાળાઓમાં ઓરડાની ઘટ પ્રવર્તિ રહી છે. ઘણે ઠેકાણે ઓરડા જર્જરિત થઇ ગયા છે ત્યારે જિલ્લામાં કુલ 1949 ઓરડાની ઘટ છે. જેમાં ટેન્ડર પ્રક્રિયા શરુ કરવામાં આવી છે. તેમ છતાં જિલ્લામાં 777 ઓરડાની ઘટ તો રહેવાની જ છે ત્યારે ગરીબ બાળકોના હિતમાં આવી ભૌતિક સુવિધા ઉભી કરવામાં આવે તે જરુરી છે.
શાળા પ્રવેશોત્સવથી ડ્રોપ આઉટ ઘટયો
સમગ્ર ગુજરાતમાં 23 જૂનથી શાળી પ્રવેશોત્સવ શરુ કરાયો છે. તે હેઠળ દાહોદ જિલ્લામાં પણ રાજ્ય સરકારના મંત્રીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં બાળકોને પ્રવેશ આપવાની કામગીરી વાજતે ગાજતે શરુ કરવામાં આવી છે. આખુંયે તંત્ર શાળા પ્રવેશોત્સવની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે વર્ષોથી ચાલતા આવતા આ કાર્યક્રમને કારણે ડ્રોપ આઉટ રેશીયો અડધા ટકાથી પણ નીચે આવી ગયો હોવાનું સરકારી આંકડા જણાવી રહ્યા છે. જેથી આદિવાસી વિસ્તારમાં બાળકો હવે અડધેથી શિક્ષણ છોડી દેતા નથી તે પુરવાર થઇ રહ્યું છે.
કુલ 1959 ઓરડાની દરખાસ્ત કરવામાં આવી હતી
બીજી તરફ જિલ્લામાં ઘણે ઠેકાણે કોર્પોરેટ સ્કુલો જેવી સરકારી પ્રાથમિક શાળાઓ બાંધવામાં આવી છે. ઘણે ઠેકાણે જૂની ઇમારતો તોડી નવી ઇમારતો બનવા જઇ રહી છે. તેમ છતાં જૂની પુરાણી પ્રાથમિક શાળાઓમાં ક્રમશઃ ઓરડા જૂના અને જર્જરિત થઇ જતાં તેને નવા બાંધવા પડે છે, નહીતર તે બાળકો અને શિક્ષકો માટે જોખમી સાબિત થઇ શકે છે. ત્યારે સત્તાવાર આંકડા પ્રમાણે જિલ્લામાં કુલ 1959 ઓરડાની ઘટ પ્રવર્તતિ હતી. જેની દરખાસ્તો રાજ્ય સરકારમાં કરી દેવાામાં આવી છે.
1459 ઓરડાના ટેન્ડર મંજૂર થયા, હવે 490ના ભરાશે
ગુજરાત સરકારમાં દરખાસ્તો કરાતાં નવા ઓરડાં બાંધવાની મંજૂરી માટેની પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી. સત્તાવાર માહિતી પ્રમાણે તેના ભાગ રુપે 1459 ઓરડાના ટેન્ડર ઓનલાઇન બહાર પાડવામાં આવ્યા છે. તેમાંથી ટેન્ડર ભરાશે અને ઓછા ભાવ ભરનારના ટેન્ડર મંજૂર કરાઈ ઓરડા બાંધવામાં આવશે. જેથી આ ઓરડા રાતોરાત બંધાય નહી તે નિશ્ચિત જ છે.ત્યારે તે વહેલી તકે બને તે શિક્ષણના હિતમાં છે. બીજી તરફ 490 ઓરડાના ટેન્ડર હજી હવે થવાના છે.
મંજૂર થયેલા બધા જ બની જાય તો પણ 777 ઓરડાની અછત
આમ 1459 અને 490 મળી કુલ 1949 ઓરડાના ટેન્ડર થઇ જાય અને ઓરડા બંધાઇ જાય તો પણ જિલ્લામાં 777 ઓરડાની ઘટ હોવાની માહિતી પ્રાાથમિક શિક્ષણ વિભાગમાંથી જ મળી છે. ત્યારે જિલ્લામાં જેટલું મહત્વનું બાળકોને પ્રવેશ આપવાાનુ છે તેટલું જ મહત્વ શાળાઓમાં ભૌતિક સુવિધાઓ પુરી પાડવાનુ છે. જેથી ઓરડા ઝડપી બને જરુરી છે.
જિલ્લા મથકની ઝાલોદરોડ શાળા જિર્ણોધ્ધાર ઝંખે છે
જિલ્લામાં ઓરડાની ઘટ પ્રવર્તિ રહી છે ત્યારે જિલ્લા મથક દાહોદમાં આવેલી ઝાલોદ રોડ પ્રાાથમિક શાળાની તો આખી ઇમારત જ જર્જરિત થઇ ગઇ છે. જેથી આ શાળાના બાળકો હાલ તેમના નિવાસ સ્થાનની નજીકની શાળાઓમાં અભ્યાસ કરવા જવા મજબુર છે ત્યારે ઇમારત ઝડપી બને તે જરુરી છે. બે વખત તેના માટે રાજ્ય કક્ષાએ લેખિત દરખાસ્તો પણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે.
No. | Taluko | In Tender | 22-23 | APPROVED ROOM | FINAL REQUIRE ROOM |
1. | દાહોદ | 260 | 140 | 400 | 184 |
2. | દેવગઢબારીયા | 189 | 54 | 243 | 90 |
3. | ધાનપુર | 111 | 46 | 157 | 33 |
4. | ફતેહપુરા | 174 | 33 | 207 | 80 |
5. | ગરબાડા | 219 | 52 | 271 | 72 |
6. | લીમખેડા | 92 | 49 | 141 | 118 |
7. | સંજેલી | 71 | 24 | 95 | 40 |
8. | સીંગવડ | 65 | 22 | 87 | 53 |
9. | ઝાલોદ | 278 | 70 | 348 | 107 |
કુલ | 1459 | 490 | 1949 | 777 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.