• Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Four Robbers Broke Into A House In Dahod And Tried To Rob At Gunpoint, Landlord Caught Two Robbers Resisting, Two Absconding

IT ઓફિસરની ઓળખ આપી લૂંટ:દાહોદમાં ઘરમાં ઘૂસી ચાર લૂંટારુઓએ નકલી બંદૂક બતાવી લૂંટ ચલાવી, મકાન માલિકે પ્રતિકાર કરી બે લૂંટારુઓને ઝડપી પાડ્યા, બે ફરાર

દાહોદએક મહિનો પહેલા
દંપતીએ લૂંટારુઓનો હિંમતપૂર્વક સામનો કર્યો
  • ઝડપાયેલા બે લૂંટારુઓને લોકોએ મેથીપાક ચખાડ્યો
  • પોલીસે બંને લૂંટારુઓને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી

દાહોદ શહેરમાં આજે સવારે ફિલ્મી સ્ટાઈલે લૂંટની ઘટના બનતા ચકચાર મચી છે. શહેરના રહેણાંક વિસ્તારમાં IT ઓફિસરની ઓળખ આપી ઘૂસેલા ચાર શખ્સોએ બંદૂકની અણીએ લૂંટને અંજામ આપ્યો હતો. મકાન માલિકે લૂંટારુઓનો પ્રતિકાર કરતા બે લૂંટારુઓ ઝડપાયા હતા જ્યારે બે લૂંટારુઓ ફરાર થવામા સફળ રહ્યા હતા. દેકારો થતા આસપાસથી લોકો એકઠા થઈ જતા બંને લૂંટારુઓને મેથીપાક ચખાડ્યો હતો. પોલીસે બંને લૂંટારુઓને કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. લૂંટારુઓ મહારાષ્ટ્રથી દાહોદ આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

લૂંટારુને ઝડપી સ્થાનિક લોકોએ બાંધી દીધો
લૂંટારુને ઝડપી સ્થાનિક લોકોએ બાંધી દીધો

બુરહાની સોસાયટીમાં બનાવ બન્યો
દાહોદ શહેરમાં આવેલી બુરહાની સોસાયટી ખાતે રહેતાં અને શહેરના ચાર થાંભલા સ્થિત ગુજરાત પ્લાયવુડ નામની હાર્ડવેરની દુકાન ધરાવતાં શબ્રીભાઈ ફિરોજભાઈ લેનવાલા પોતાના ઘર પર આજરોજ તારીખ 14 સપ્ટેમ્બરના રોજ પરિવારજનો સાથે હાજર હતાં. શબ્બીરભાઈના પરિવારમાં તેમના પત્ની ઝૈનબબેન, વિધવા માતા બાનુબેન અને સંતાનમાં બે પુત્રો પણ ઘરે હતા. સવારમા આસપાસ્ પ્રથમ તો બે લુંટારૂઓ તેમના ઘરમાં પ્રવેશ્યાં હતાં અને જાણવા મળ્યાં અનુસાર, શબ્બીરભાઈ તથા તેમના પરિવારજને આ લુંટારૂઓએ પ્રથમ કહેલ કે, તેમના પિતા મૃત્ય પામ્યાં છે તો પરિવારની મુલાકાતે આવ્યાં છે. આ સાંભળી શબ્બીરભાઈએ પ્રથમ તો તેઓને ઘરમાં બેસાડ્યાં હતાં અને બાદમાં આ બે લુંટારૂઓ દ્વારા પોતે ઈન્કમટેક્ષના ઓફિસર હોવાનું કહી, ઘરમાં તપાસ કરવાની છે અને કાર્યવાહી કરવાની છે તેમ જણાવતાં શબ્બીરભાઈએ કહેલ કે, સારૂં મારા એક સ્વજનને ફોન કરી લઉં તેમ કહેતાં બંન્ને લુંટારૂઓએ શબ્બીરભાઈના કાન પર નકલી બંદુક ધરી દીધી હતી .અને આજ સમયે અન્ય બીજા બે લુંટારઋઓ પણ મોકો જોઈ ઘરમાં ઘુસી ગયાં હતાં.

વ્હોરા દંપતીએ બહાદુરી પૂર્વક લૂંટારુઓનો સામનો કર્યો
ચારેય લુંટારૂઓએ લુંટ ચલાવવાની કોશિશ કરતાં પરિસ્થિતીને ભાળી જઈ શબ્બીરભાઈ તથા તેમના પત્નિએ ચારેય લુંટારૂઓનો પ્રતિકાર કરતાં ઝપાઝપીના દ્રશ્યો સર્જાયાં હતાં અને બુમાબુમ પણ થઈ ગઈ હતી. ઝપાઝપી થતાં ચાર પૈકી બે લુંટારૂઓ નાસી જવામાં સફળ રહ્યાં હતાં ત્યારે બે લુંટારૂઓને શબ્બીરભાઈ તથા તેમની પત્નિએ દબોચી લીધાં હતાં અને બુમાબુમ કરી મુકતાં આસપાસના લોકો પણ દોડી આવ્યાં હતાં. જાણવા મળ્યાં અનુસાર, ઝડપાયેલ બંન્ને લુંટારૂઓને પરિવાર અને સ્થાનિકો દ્વારા ઝડપી પાડ્યાં બાદ તેઓને બાંધી મેથીપાક પણ ચખાડ્યો હતો. ઘટનાની જાણ દાહોદ શહેર પોલીસને કરાતાં પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવ્યાં હતો અને બંન્ને લુંટારૂઓને લઈ રવાના થઈ ગઈ હતી. બે પૈકી એક લુંટારૂઓને મેથીપાકને પગલે દાહોદની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

લૂંટારુ પાસેથી IT ઓફિસરના નકલી આઈ કાર્ડ મળ્યા
સમગ્ર ઘટનામાં નકલી ઈન્કમટેક્ષ ઓફિસર બની આવેલ આ બંન્ને લુંટારૂ પાસેથી નકલી ઈન્કમટેક્ષ આઈડી કાર્ડ, આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો પોલીસને મળી આવ્યાં હતાં.આ સમગ્ર ઘટના બુરહાની સોસાયટી સ્થિત સીસીટીવી ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. બીજી તરફ આ ઘટનામાં મુખ્યત્વે લુંટારૂઓ મહારાષ્ટ્રના હોવાનું સામે આવ્યું છે ત્યારે આ દાહોદના વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યુ થયું હોય અને પરિવારની મુલાકાતે આવ્યાં હોવાનું સામે આવતાં લુંટારૂઓને કેવી રીતે ખબર પડી હશે કે, આ વ્હોરા પરિવારમાં સદસ્યનું મૃત્યું થયું હતું અને તેઓને કેવી રીતે ખબર પડી તે પણ એક પોલીસ તપાસનો વિષય બની રહ્યો છે.

ફરાર થયેલા બે લૂંટારુઓની શોધખોળ હાથ ધરાઈ
આ ઘટના હાલ સમગ્ર દાહોદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. અને પોલીસે પણ તલસ્પર્શી તપાસનો ધમધમાટ આરંભ કરી ગુન્હાનો મુળ હેતુ શોધી કાઢવા ચક્રોગતિમાન કર્યાં છે.પ્રાથમિક જાણકારી પ્રમાણે બાનુબેન પાસેથી 25,000 રોકડા અને બે મોબાઈલ મળી 45,000ના મુદ્દામાલ ની લૂંટ ચલાવી હતી.ત્યારે આ ચાર મહારાષ્ટ્રના સચિન રોહિત વાઘમારે,તા રિસોડ, જિ.વાસી,વિવેક માધવરાવ ,ચિકલી, વાસી,ભાગવત બાળકુર,ચિકલી, વાસી તેમજ ઈર્ષાદ રિસોડ ,વાસીના રહેવાસી હોવાની જાણકારી મળી છે. પોલીસે હાલ ઝડપાયેલા બે શખ્સોની વધુ પૂછપરછ શરૂ કરી છે.

અમે જૂના વેપારી છીએ કહી પ્રવેશ્યા, તમામને બંધક બનાવી પિસ્તોલ તાકી
શબ્બીરભાઇ લેનવાલાએ જણાવ્યું હતું કે, હું, મારી મા બાનુબેન, પત્ની ઝૈનબ અને મારી છોકરી શકીના અમે ઘરે હતાં, મારો છોકરો અમાર સ્કૂલે ગયો હતો. નવેક વાગ્યાના સમયે હું મારી દુકાને જવા માટે મારા ઘરનો દરવાજો ખોલતો હતો. તે વખતે બે માણસોએ મારી પાસે આવીને અમે ફીરોજભાઇના જુના વેપારીઓ છીયે, ફીરોજભાઇ ગુજરી ગયા છે તો અમે તેમની પત્નીને મળવા માટે આવ્યા છીયે કહીને બંને મારા ઘરની અંદર આવી ગયા હતા. બીજા બેને તેમણે બુમ મારીને અંદર બોલાવ્યા હતાં. ચારેય ડ્રોઇંગ રૂમમાં સોફા પર બેઠા હતા અને તેમણે કહ્યું કે તમારા મધર ક્યાં છે? મે કહ્યું કે તે રૂમમાં આરામ કરે છે. જ્યાં તેમણે ઘરમાં કેટલા માણસો છે તેમ પૂછ્યું હતું. વિગત આપ્યા બાદ મને વહેમ જતાં હું ઉભો થઇને દરવાજા પાસે જતાં એક માણસે ઉભો થઇ મારો હાથ પકડી હું ઇન્કમટેક્સ ઓફિસર છુ તેમ કહી મને ધક્કો મારીને સોફા ઉપર બેસાડી દીધો હતો. એક મારી મમ્મીના રૂમમાં જઇ તેમને પકડી લાવ્યો હતો. બે મારા મકાનમાં ઉપર જઇ મારી પત્ની અને છોકરીને પકડી લાવ્યા હતાં. અમારા બધાને રૂમમાં બેસાડીને એકે પિસ્તોલ કાઢીને મારા માથે ટેકવી અમને ડિસ્ટર્બ કરશો તો અમે પોલીસને તથા અમારા ઇન્કમટેક્સના બીજા અધિકારીઓને બોલાવીશું તેમ કહ્યુ. મારી મમ્મી ડરી જતાં મને બેસી જવા જણાવ્યું હતું પણ હું છટકીને બહાર નીકળવાની કોશિશ કરતાં મારા લમણે પિસ્તોલ ટેકવીને બેસાડી દેવાતો હતો. મને બળજબરીથી ઉપર લઇ જતાં મેં છટકવા મારી પત્નીને ઇશારો કરીને તેને લઇ જાઓ, તેને બધુ ખબર છે કહેતાં તેઓ મારી પત્નીને ઉપર લઇ ગયા હતાં. હું તરત જ રસોડામાં જઇને ખુરશી ઉપર બેસી ગયો. તક જોઇને ઘરનો પાછળનો દરવાજો ખોલી બૂમો પાડતાં ચારે ભાગવા લાગ્યા. મેં અને મારી પત્નીએ એકને પકડ્યો અને પાડોશીનો સાથ મળ્યો. પછી હું ભાગેલા વ્યક્તિઓની પાછળ ગયો જ્યાં એક યુવક મળ્યો જેને પકડીને ઘરે લઇ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...