2 વર્ષ બાદ ફરી શુભ લગ્ન:દેવઉઠી અગિયારસથી 25 દિવસ માટે 95 ટકા ગાર્ડન, હોટલ, બેન્ડ, કેટરિંગ, ફરાસખાના બુક

દાહોદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દાહોદમાં 1 માસમાં 100થી વધુ લગ્નો યોજાશે : 400થી 500 લોકોને જ તેડવાનું આયોજન પરિવારો દ્વારા કરવામાં આ‌વ્યું

દાહોદમાં દેવઉઠી અગિયારસ સાથે જ શણરાઇયોની ગુંજ શરૂ થશે. લગ્નની સીઝન માટે બજારમાં સંતોષકારક ઘરાકી છે. વેપારી, ગાર્ડન, હોટેલ સંચાલક, કેટરિંગ સંચાલક, મીઠાઇ બનાવનારાના મોઢે મલકાટ છે. વેપારીઓના જણાવ્યા મુજબ કોરોના બાદ પ્રથમ વખત સારી ઘરાકી છે. જિલ્લામાં પણ લગ્નોના આયોજન હોવાથી ત્યાં પણ લગ્નસરાની ખરીદી મોટા પ્રમાણમાં થઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે લોકો બેફિકર છે અને ખુશ પણ છે. દેવઉઠી અગિયારસથી માંડીને 10 ડિસેમ્બર સુધી લગ્નોના જુદા-જુદા મૂહૂર્ત છે.

આ એક માસના સમય ગાળામાં શહેરમાં આશરે 100થી વધુ લગ્નો ગોઠવાયા છે. તેના કારણે તમામ વસ્તુઓ માટે 95 ટકા એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. હોટેલ, વાડી, મેરેજ ગાર્ડન સાથે કેટરર્સ, ફરાસખાના અને બેન્ડનું પણ એડવાન્સ બુકિંગ થઇ ગયું છે. કેટલાંક લોકોએ બગ્ગીઓ પણ બુક કરાવી છે.

કોરોના કાળ દરમિયાન જેમણે સાદાઇથી લગ્ન પૂર્ણ કરાવી લીધી હતી. હવે સ્થિતિ સામાન્ય થયા છતાં લગ્ન લેનારા પરિવારો આ વખતે મોટા આયોજનો નથી કરી રહ્યા. મહત્તમ 500થી 600 લોકોને જ તેડવાનું નક્કી કર્યુ છે. ભોજનની ડીશ, સજાવટની સામગ્રીમાં આશરે 15થી 20 ટકાની વૃદ્ધિ ત્યારે લોકોને મોંઘવારી નડશે તેમાં બેમત નથી.

વેન્યુ : મૂહૂર્ત મુજબ જગ્યાઓનું બુકિંગ
દાહોદ શહેરમાં 15 નવેમ્બરથી 10 ડિસેમ્બર સુધી વિવિધ મૂહૂર્તમાં લેવાયેલા લગ્નના રિસેપ્શન માટે વિવિધ સમાજની વાડી અને મેરેજ ગાર્ડનનું બુકિંગ થઇ ગયું છે. કેટલાંક લોકો તો ફેબ્રુઆરીનું અત્યારથી આયોજન કરીને બેઠા છે. 15 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી ધનુર્માસ રહશે.

કેટરિંગ : 95 ટકા કેટરર્સ બુક થઇ ગયા
વધુ લગ્નોથી આ વખતે કેટરિંગ સંચાલકો પાસે પણ જબરજસ્ત બુકિંગ છે. 95 ટકા કેટરર્સ બુક થયા છે. સંચાલકોના જણાવ્યા મુજબ 2 વર્ષમાં પ્રથમ વખત ચિંતા દુર થઇ છે. હવે ઓર્ડર લેવાનું મુશ્કેલ છે.

પરિવાર : કોરોનાનું વિધ્ન દૂર થતાં ખુશી
જે પરિવારમાં લગ્ન છે તેઓ પહેલાં ઘણા ચિંતાતુર હતા. જોકે, હવે આ ચિંતા ઓછી થઇ છે. કેટલાંક લોકો તો એવા છે જેમને કોરોનાને કારણે લગ્ન ઠેલી દેવા પડ્યા હતાં. દરેક પરિવાર હવે ઉત્સાહ સાથે તૈયારીઓમાં જોતરાયેલા જોવા મળી રહ્યા છે.

સાઉન્ડ સિસ્ટમ માટે પરવાનગી જરૂરી બની
લગ્નોનાં આયોજન થઈ રહ્યા છે ત્યારે ઘર આગળ સાઉન્ડ સિસ્ટમ વગાડવી હોય કે વરઘોડામા બેન્ડ કે ડીજેનો ઉપયોગ કરવો હોય ત્યારે મામલતદારની પરવાનગી જરૂરી બને છે. તેમાં પોલીસનો અભિપ્રાય પણ મહત્વનો હોય છે. સાદાઈથી લગ્ન કરવા માટે પરવાનગીની કોઈ જરૂર નથી.

અન્ય સમાચારો પણ છે...