કુરિવાજ:યુવક સાથે ભાગી જનાર બીલવાટની સગીરાને જાહેરમાં લાકડીના ફટકા મારવાની સજા મળી

છોટાઉદેપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુવતીને 15 જેટલી વ્યક્તિઓ દ્વારા જાહેરમાં લાકડીના ફટકા મારતાનો વીડિયો વાયરલ થયો હતો. - Divya Bhaskar
યુવતીને 15 જેટલી વ્યક્તિઓ દ્વારા જાહેરમાં લાકડીના ફટકા મારતાનો વીડિયો વાયરલ થયો હતો.
  • સગીર યુવતીને માર મારતા હોવાની ઘટનાનો વીડિયો વાયરલ થયો
  • રંગપુર પોલીસ સ્ટેશનમાં 15 વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરાયો

છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદમાં અને રાજ્યની સરહદ ઉપર આવેલ બીલવાટ ગામની સગીર યુવતી એક યુવક સાથે ભાગી ગઈ હતી. આ વસ્તુ તેના સગા સંબંધીઓને પસંદ નહીં પડતા સગીર યુવતીને 15 જેટલી વ્યક્તિઓ દ્વારા જાહેરમાં લાકડી વડે ફટકા મારતા આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. 

મળેલ વિગતો મુજબ આ ઘટના તા 24 ના રોજ બની હતી સગીર વયની યુવતી ગામના યુવાન સાથે ભાગી ગઈ હતી. જેને શોધી કાઢી ઘરે લાવી યુવતીને જાહેરમાં લાકડીઓ અને ગડદા પાટુનો માર મારતા આ હકીકતો વિડિઓ દ્વારા બહાર તા 26 ના રોજ આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. 

આ સંદર્ભે રંગપુર પોલીસ સ્ટેશનમાં તા 27 ના રોજ ગુનો દાખલ ઇપીકો 147, 148, 149, 323, 325, 504, 506 (2) 354, આઈ ટી એકટ-67 તથા પોસ્કો કલમ 12 મુજબ 15 વ્યક્તિ સામે ગુનો દાખલ થયો છે. જે પૈકી આરોપીઓ દેસીંગભાઈ ધનસિંગભાઈ રાઠવા, ભીખાભાઇ ભોદીભાઈ ધાણુંક, ઉદલિયાભાઈ કાળુભાઇ ધાણુંક, માધુભાઈ ભારતીયાભાઈ રાઠવા, દશમભાઈ ધનસિંગભાઈ રાઠવા,રમેશભાઈ મોતીભાઈ રાઠવા, જ્ઞાનસિંગ મનડાભાઈ રાઠવા, વેસ્તાભાઈ ભુરલાભાઈ રાઠવા, ધનસિંગભાઈ નવલસિંગભાઈ રાઠવા, ગુરલાભાઈ નજરૂભાઈ ધાણુંક, કાડીયાભાઈ છગનભાઇ રાઠવા, નાનલાભાઈ કુકાભાઈ રાઠવા, રમેશભાઈ ગુમાનભાઈ રાઠવા, લખાભાઈ નાનીયાભાઈ રાઠવા, ઉદેસિંગભાઈ કાળુભાઇ ધાણુંક તમામ રહેવાસી બીલવાટ તા જી છોટાઉદેપુર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. બનેલ ઘટના ની જાણ થતાં ડી વાય એસ પી એ વી કાટકડે રંગપુર પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. 

આદિવાસીઓની અંદર આજેપણ એવી પ્રથા ચાલે છે કે મા બાપની મરજી વિરુદ્ધ જો કોઈ યુવતી જતી રહે તો પંચ બેસી તેનો નિકાલ કરે છે. બન્ને પક્ષ તરફથી પંચ આવી દંડકીય રકમ નક્કી કરે છે એ યુવાને આપવી પડતી હોય છે. જો આમાં સમજૂતી ન થાય તો ભારે ઘર્ષણ પણ થતા હોય છે. આ પ્રથા કોઈ રોકી શકતું નથી. અગાઉ પણ ભાગી ગયેલી યુવક યુવતીઓને સજા થયેલ છે. 

આદિવાસી વિસ્તારમાં આજેપણ પતિ-પત્ની વચ્ચે થતા અણબનાવો બને અથવા અન્ય કોઈ કારણોસર છૂટાછેડા લેવા માંગતા હોયતો તેનો નિકાલ પંચો બેસીને કરે છે. ખૂબ ઓછા કેસે કોર્ટમાં જાય છે. પંચો દ્વારા ભાગી ગયેલા યુવક અને યુવતીના બનાવના પણ નિકાલ વર્ષોથી થતા જોવા મળે છે.

ફરિયાદ અમારા સુધી આવી ન હતી
ભોરદલી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ ઢુંઢીબેન રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે બીલવાટ ગામે ભાગી ગયેલ યુવતીને માર મારવામાં આવ્યાની ફરિયાદ અમારા સુધી આવી ન હતી. ત્યાંના રહીશોએ ફરિયાદ કરી હોત તો યોગ્ય ઉકેલ લાવ્યા હોત. મારઝૂડ કરી આ વિષયને ચર્ચાસ્પદ બનાવવી ન હોતી જોઈતી તેમ સરપંચે જણાવ્યું હતું. 

કુરિવાજોમાં પરિવર્તન લાવવું જરૂરી
છોટાઉદેપુર તાલુકાના બીલવાટ ગામે જે યુવતીને જાહેરમાં માર મારવા અંગે રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારની અંદર આજે પણ જુના કુરિવાજો ચાલે છે. એમાં બદલાયેલા યુગ પ્રમાણે પરિવર્તન લાવવું જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...