ઓવરસ્પિડીંગે જીવ લીધો:ફતેપુરાના હડમતમાં બાઈક સ્લીપ થતાં પાછળ બેસેલા વ્યક્તિનું મોત, બાઈક ચાલક ઈજાગ્રસ્ત

દાહોદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે હંકારતાં બાઇક સ્લીપ ખાઇ ગયું
  • રાજસ્થાનથી બે વ્યક્તિઓ ફતેપુરા આવ્યા હતા, સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડમત ગામે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાઈકલ સ્લીપ ખવડાવી દેતાં મોટરસાઈકલની પાછળ બેઠેલા એક વ્યક્તિને શરીરે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

ઓવરસ્પિડીંગના લીધે બાઇક સ્લીપ ખાઇ ગયું

રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાગડતલાઈ તાલુકામાં બાજાર ગામે રહેતો રાજુભાઈ મગનભાઈ વસૈયા પોતાની મોટરસાઈકલ પર દિનેશભાઈ હકરાભાઈ ગરાસીયાને બેસાડી દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના હડતમ ગામેથી પસાર થતો હતો. તેણે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યો હતો. તે સમયે મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં ઉપરોક્ત બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાયાં હતાં. જેમાં મોટરસાઈકલની પાછળ બેઠેલા દિનેશભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

આ સંબંધે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાગડતલાઈના દુધા ગામે રહેતા હકરાભાઈ બદીયાભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...