તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

​​​​​​​ચોમાસાના પગરવ:દાહોદ જિલ્લામાં ચોમાસા પહેલા વરસાદી માહોલ, આકાશમાં મનમોહક મેઘધનુષ્ય રચાયુ

દાહોદ19 દિવસ પહેલા
  • ગામડાઓમાં વરસાદી ઝાપટા થતાં ખેડૂતોને સારા ચોમાસાની આશા બંધાઇ

દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે વહેલી સવારે ઓચિંતો વાતાવરણમાં પલ્ટો આવતાં જિલ્લાના ઘણા ગામોમાં વરસાદી ઝાપટુ પડ્યું છે. જેમાં વરસાદી માહોલ વચ્ચે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદથી આકાશમાં મેઘધનુષ પણ જોવા મળ્યું હતું. જેથી જાણે ચોમાસુ અત્યારથી જ બેસી ગયુ હોય તેમ લાગતુ હતુ.

ગુજરાતમાં 20 જૂન સુધી મેઘરાજાની સવારી આવી પહોંચશે

ગુજરાતમાં લગભગ ચોમાસુ આ મહિનામાં પ્રારંભ થવાના અહેવાલો મળી રહ્યાં છે. કારણ કે સૌથી પહેલા કેરળમાં ચોમાસાનું આગમન આજ કાલમાં થવાની આગાહી છે. જેથી ગુજરાતમાં 20 જૂન સુધી મેઘરાજાની સવારી આવી પહોંચશે તેવી સંભાવના દેખાઇ રહી છે. બીજી તરફ દાહોદ જિલ્લામાં આજે વહેલી સવારે એકાએક પવનના સુસવાટા સાથે કાળા વાદળો છવાઈ ગયાં હતાં. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાની સાથે જિલ્લામાં વહેલી સવારે લીમખેડા, સંજેલી, સીંગવડ, ઝાલોદ, દાહોદ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદી ઝાપટા પણ પડ્યાં હતાં.

ગામડાઓમાં તો જાણે ચોમાસા જેવો જ વરસાદ વરસ્યો

ખેડૂત મિત્રો પણ ખેતી કામની તૈયારીઓમાં જોતરાઈ ગયાં છે. ત્યારે વહેલી સવારે આકાશમાં રચાયેલા મેઘ ધનુષ્યને જોતાં જ લોકોમાં અનેરા આનંદ સાથે આશ્ચર્ય પણ ફેલાયુ હતુ. કારણ કે ચોમાસુ બરાબર જામે અને વાવાઝોડા સાથે વરસાદની હેલીઓ થાય ત્યારે મેઘઘનુષ્ય જોવાનો લ્હાવો મળતો હોય છે. ત્યારે આ વખતે ચોમાસાના શુભારંભ પહેલા જ સાત રંગોની સપ્તાવલીથી રચિત મેઘધનુષ્ય ખરેખર મનભાવન લાગતું હતુ. કેટલાક ગામડાઓમાં તો જાણે ચોમાસા જેવો જ વરસાદ વરસ્યો હતો.

તારીખ 4થી 6 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી

નૈઋત્યનું ચોમાસું કેરળ નજીક પહોંચી રહ્યું છે. તેની અસર સ્વરૂપે સમગ્ર દાહોદ પંથકમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લામાં આગામી તા. 6 સુધીમાં હળવાથી ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. દાહોદમાં છેલ્લા બેત્રણ દિવસથી કુમ્યુનોલિમ્બસ ક્લાઉડ જોવા મળી રહ્યાં છે. જેની ટૂંકમાં સીબી ક્લાઉડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકાશમાં ભારે વાદળોને કારણે વાદળછાયુ વાતાવરણ રહે છે. આ અસરને જોતા કાલ તારીખ 4થી 6 દરમિયાન પવન સાથે હળવાથી ભારે વરસાદની આગાહી વેધશાળાએ કરી છે.

અન્ય સમાચારો પણ છે...