સ્માર્ટ સિટીમાં સમાવિષ્ઠ દાહોદ શહેરમાં છેલ્લા કેટલાંક સમયથી ખાલી પડેલી જાહેર જગ્યાઓમાં કચરો ઠાલવવાની જાણે પ્રથા પડી ગઇ હતી. આ સ્થળોએ મુકેલી કચરા પેટી ભરાઇ ગયા છતાં તેને ઉપાડવાની તસ્દી લેવામાં આવતી ન હતી. જેથી રખડતા પશુઓ દ્વારા કચરાનો ફેલાવો કરીને સ્થિતિને વધુ વિસ્ફોટક બનાવી દેતા હતાં. આ મામલે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં જાહેરમાં બની ગયેલા ઉકરડા અંગેનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો.
દાહોદ નગર પાલિકાને મળેલી ફરિયાદોના આધારે કરાયેલી તપાસમાં શહેરમાં 27 એવા જાહેર સ્થળ મળ્યા હતા જ્યાં હંગામી ઉકરડા બનેલા જોવા મળ્યા હતાં.આ પરીસ્થિતને પહોંચી વળવા માટે વધારાના સફાઇ કામદારો જોતરીને આવા હંગામી ઉકરડાઓની તાત્કાલિક અસરથી સફાઇ કરવાનું નક્કી કરવામાં આવ્યુ હતું.
આ ઉપરાંત શહેરમાં કેટલાંક દુકાનદારો દ્વારા પણ કચરો જાહેરમાં નાખવા સાથે દુકાનના સ્થળે પણ ગંદકી ફેલાવવામાં આવતી હોવાથી રાતના સમયે પોલીસ બંદોબસ્ત સાથે પાલિકાના કર્મચારી અને પદાધિકારીએ આકસ્મિક ચેકિંગ હાથ ધર્યુ હતું. તેના પરિણામ સ્વરૂપ શહેરમાં ખાણીપીણીની લારીઓ ઉભી રહે છે તે જાહેર સ્થળો ઉપરથી ગણતરીના કલાકોમાં આઠ હજાર રૂપિયાનો દંડ પણ વસુલ કરવામાં આવ્યો હતો. પાલિકા દ્વારા જાહેર સ્થળે ગંદકીના ઢગ જણાયા હતા. ત્યાં સફાઇ શરૂ કરાઇ હતી.
હવે... શહેરમાં રાત્રિ સફાઇનું પણ તંત્ર આયોજન કરશે...
શહેરમાં જાહેરમાં ગંદકી જોવાતી હોય તેવા 27 સ્થળ મળ્યા છે. વધારાના સફાઇ કર્મચારીઓને જોતરીને અહીં તાત્કાલિક અસરથી સફાઇની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. પાલિકા દ્વારા દરરોજ સફાઇ કાર્ય હાથ ધરવામાં આવે છે પરંતુ ક્યારેક પ્રજા તો ક્યારેક કર્મચારીઓની ભુલને કારણે કચરાના ઢગ થઇ જતાં હોય છે. આગામી દિવસોમાં રાત્રી સફાઇ સાથેના આયોજનો પણ ઘડી કાઢવામાં આવ્યા છે.>લખન રાજગોર,કારોબારી ચેરમેન,દા.ન.પા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.