વન્ય પ્રાણીનો આતંક:દાહોદના સાગટાળાના જંગલમાં ઢોર ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કરતા મોત, પંથકમાં ફફડાટ ફેલાયો

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વન વિભાગે રીંછના હુમલામાં મોત થયુ હોવાનો રિપોર્ટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી થોડા દિવસ અગાઉ જ ધાનપુર અને સીંગવડમાં દીપડાએ ઘરમાં ઘુસી હુમલા કર્યા હતા

દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં વન્ય પશુઓના માનવ પર હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે દેવગઢ બારીયાના સાગટાળાની રેન્જમાં ઢોર ચરાવવા ગયેલી મહિલા પર રીંછે હુમલો કર્યો હતો. જેથી મહિલાને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થયું છે. જેને લઈ પંથકમાં ફફડાટ ફેલાઈ ગયો છે. વન વિભાગ દ્વારા લાશનું પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ધાનપુર તાલુકામાં થોડા દિવસો પહેલાં આધેડ પર દીપડાએ હુમલો કર્યો હતો. તે અગાઉ સીંગવડ તાલુકામાં ઘરમાં ઉંઘી રહેલી મહિલા પર દીપડાએ હુમલો કર્યો હતો. આમ ટુંકા ગાળામાં જ દીપડાએ હુમલા કર્યાના બે બનાવ નોંધાઇ ચુક્યા છે. ત્યારે વન્ય પ્રાણીના હુમલાનો વધુ એક બનાવ હવે દેવગઢ બારીયાના સાગટાળામાં બન્યો છે.

વન વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે દેવગઢ બારીયા તાલુકાના આમલીમાણીછોતરા ગામના રહેવાસી આશરે 42 વર્ષિય સંજલીબેન મશરુભાઇ રાઠવા જંગલમાં ઢોર ચરાવવા માટે ગયા હતા. ત્યારે ગઇ કાલે સાંજે આશરે 4 વાગ્યાના અરસામાં રીંછે તેમની પર હુમલો કર્યો હતો. જેથી તેઓને ગંભીર ઇજા પહોંચતા તેમનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જેને લઈ તેમની સાથેના પશુપાલકોમાં નાસભાગ મચી ગઇ હતી અને ગામમાં તેની જાણ કરાતા સ્થાાનિકોએ દોડી આવી વન વિભાગને જાણ કરી હતી.

રીંછના હુમલામાં મહિલાનુ મોત થતાં કાફલો ધસી આવ્યો હતો
રીંછના હુમલામાં મહિલાનુ મોત થતાં કાફલો ધસી આવ્યો હતો

વન વિભાગના અધિકારીઓએ સ્થળ પર આવી તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ રીંછે હુમલો કર્યો હોવાનો રિપોર્ટ કરવામાં આવ્યો છે. જેથી પોસ્ટમોર્ટમ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે, દેવગઢ બારીયા અને ધાનપુર વિસ્તારમાં છાશવારે વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓએ સ્થાનિકોમાં ચિંતા વધારી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...