જમીનનું વેર:દાહોદના લીમખેડાના અગારા ગામમા જમીનની ભાગ બટાઈ મામલે બબાલ, મારા મારી થતા બંન્ને પરિવારોના પાંચ ઈજાગ્રસ્ત

દાહોદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી

દાહોદના લીમખેડા તાલુકાના અગારા (ઉ) ગામે જમીન સંબંધી જૂની અદાવતે ગામમાં રહેતાં બે પરિવાર વચ્ચે સામસામે મારામારી થઇ હતી.બંન્ને પરિવારના મહિલા સહિત કુલ 5 વ્યક્તિઓને ઈજાઓ થઇ હતી. આ સંબંધે બંન્ને પક્ષો દ્વારા સામસામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

અગારા (ઉ) ગામે નિશાળ ફળિયામાં રહેતાં મુકેશભાઈ દલસીંગભાઈ બારીયા દ્વારા નોંધાવેલ ફરિયાદ પ્રમાણે તેમના ગામમાં રહેતાં ચતુર સમસુભાઈ બારીયા, શારદાબેન સમસુભાઈ બારીયા, જયશ્રીબેન સમસુભાઈ બારીયા અને હિરાબેન સમસુભાઈ બારીયાનાઓએ હાથમાં પથ્થરો લઈ મુકેશભાઈના ઘર તરફ આવ્યાં હતાં. મુકેશભાઈને ગાળો બોલી કહ્યુ કે, મારા મોટા બાપની જમીનમાં તું ભાગ કેમ આપતો નથી, તેમ કહેતાં મુકેશભાઈએ જણાવેલું કે, હું મોટા માંનું ભરણ પોષણ કરૂં છું, તને જમીનનો ભાગ નહીં મળે, તેમ કહેતાં ઉપરોક્ત ચારેય જણા એકદમ ઉશ્કેરાઈ જઈ મુકેશભાઈને છુટ્ટા પથ્થરો વડે માર મારી તેમજ પકડી લઈ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

સામા પક્ષેથી અગારા (ઉ) ગામે રહેતાં ચતુરભાઈ રમસુભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યાં અનુસાર, પોતાના ગામમાં રહેતાં મુકેશભાઈ દલસીંગભાઈ, કમલેશભાઈ કલસીંગભાઈ, સકુડીબેન દલસીંગભાઈ, સંગીતેબન મુકેશભાઈ ચારેય જાતે બારીયાએ ચતુરભાઈને ત્યાં આવ્યાં હતાં. બેફામ ગાળો બોલી જુના ઝઘડાની અદાવત રાખી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને ચતુરભાઈ, જયશ્રીબેન, હિરલબેન અને પારૂલબેનને છુટ્ટા પથ્થરો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવ્યું હતું.

ઉપરોક્ત બંન્ને બનાવો સંદર્ભે સામસામે લીમખેડા પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધાતાં પોલીસે બંન્ને પક્ષોની ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...