ક્રાઇમ:પ્રધાનમંત્રી આવાસના ફોર્મમાં સહી સિક્કા કરવાની ના પાડી દેતાં તલાટી પર હુમલો

દાહોદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપરીમાં ત્રણ હુમલાખોરો 50 લાભાર્થીઓના ફોર્મ લઇને આવ્યા હતા

છાપરી ગામના તલાટી કમ મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મમાં સ્થળ ખાત્રી કર્યા વગર સહી સિક્કા કરવાની ના પાડતાં ત્રણ વ્યક્તિઓએ શર્ટનો કોલર પકડી તેમજ પથ્થર મારી ઇજા પહોંચાડી હતી. આ સંદર્ભે તલાટીએ ત્રણ સામે ગુનો નોંધાવ્યો હતો.

ગલાલીયાવાડમાં આવેલ સાંઇખુશી સોસાયટીમાં રહેતા તલાટી તરીકે ફરજ બજાવતાં પારસીંગભાઇ હીમસિંગભાઇ હઠીલા ગતરોજ બપોરના એક વાગ્યાના અરસામાં છાપરી ગ્રામ પંચાયત ઉપર તેમની ફરજ પર ગયા હતા. ત્યારે નજીકમાં રહેતા કાળુભાઇ ગલુભાઇ થોડી પણ ત્યાં આઐવ્યા હતા. તલાટી પારસીંગભાઇ હઠીલા તેમનું કામ કરતાં હતા. તે દરમિયાન છાપરી ગામના સરપંચ ફળિયામાં રહેતા પ્રકાશ મકન ભુરીયા, અંકેશ રૂમાલ નિનામા તથા ઉસરવાણ ગામના ભાવેશ રતન માવી પ્રધાનમંત્રી આવાસ યોજનાના પચાસ ફોર્મ લાભાર્થીને જાણ કર્યા સિવાય ફોર્મમાં સહી સિક્કા કરાવવા માટે છાપરી ગ્રામ પંચાયત ઓફીસે આવ્યા હતા. જેથી તલાટી પારસીંગભાઇ હઠીલાએ લાભાર્થી ક્યાં છે પુછતાં આ પચાસ ફોર્મનો લાભાર્થી હું છુ અને તારે ફોર્મમાં સહી કરવી છે કે નહી તેવી બળજબરી કરી હતી.

પારસીંગભાઇએ જણાવેલ કે સ્થળ ખાત્રી કર્યા વગર હુ સહી સિક્કા નહી કરુ તેવી કહેતા ત્રણેય એકદમ ઉશ્કેરાઇ જઇ ગાળો બોલી પ્રકાશ કનુ ભુરીયાએ તલાટી પારસીંગભાઇના શર્ટનો કોલર પકડી ગરદનથી નીચે છાતીના ભાગે તથા ડાબા હાથ ઉપર નખ મારતાં ઇજા થઇ હતી. જ્યારે ભાવેશ રતન માવીએ જમણા હાથે પથ્થર મારી ઇજા કરી હતી.

આ દરમિયાન અંકેશ રૂમાલ નિનામા મોબાઇલથી વીડીયો ઉતારતો હતો. ત્યાર બાદ ગામના આગેવાનોને આ બાબતની જાણ કરી હતી. ઇજાગ્રસ્ત તલાટી પારસીંગભાઇ હઠીલાને 108 દ્વારા ઝાયડસ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ સંદર્ભે પારસીંગભાઇ હઠીલાએ હુમલાખોરો વિરૂદ્ધ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...