દાહોદના કોટડાબુઝર્ગમાં જમીન અમારી છે તમે કેમ ખાતર મુકો છો કહી ચાર લોકોએ પથ્થર અને ગોફણ વડે હુમલો કરતાં ચારને ઇજા થઇ હતી. કોટડાબુઝર્ગ ગામમાં રહેતા કનુભાઇ રામસીંગભાઇ મોહનીયા તથા પત્ની સુરેખાબેન અને કુટુંબી સભ્યો માળવાળા ખેતરમાં ખાતર મુકવા માટે ગયા હતા.
તે દરમિયાન ભીટોડી ગામના જોરસીંગ અનંતી ડામોર તથા મુકેશ કાનજી ડામોર અને મંડાવાવના માજુ મનસુખ માવી તથા કાંતી સુરસીંગ ડામોર ત્યાં આવી આ ખેતર અમે વેચાણ લીધેલુ છે તો તમે કેમ અમારા ખેતરમાં ખાતર મુકો છો કહેતા રામસીંગભાઇએ જણાવેલ કે આ ખેતરના ખાતેદાર અમે છીએ અને 7/12 અને 88અમાં અમારૂ નામ છે તેમ કહેતા જોરસીંગ એકદમ ઉશ્કેરાઇ હાથમાં પથ્થર લઇ રામસીંગભાઇના ભત્રીજા હિમતભાઇને મારતા ડાબા ગાલ પર ઇજા થઇ હતી.
તેમજ મુકેશ ડામોર, માજુ માવી તથા કાંતી ડામોરે ગોફણમાં પથ્થર ભરી મારતાં મયુરભાઇને માથામાં તથા સબુરભાઇ મોહનીયાને જમણા પગે અને અર્જુનભાઇને જમણા ખભા પર લોહી નીકાળી ઇજા પહોંચાડી હતી. આ દરમિયાન લોકો દોડી આવતાં હુમલાખોરો મારી નાખવાની ધમકી આપી ભાગી ગયા હતા. આ સંદર્ભે કનુભાઇ મોહનીયાએ હુમલાખારો વિરૂદ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.