પ્રધાનમંત્રી મોદી 20 એપ્રિલે, દાહોદનાં ખરોડ ખાતે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે. કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ જણાવ્યું હતું કે, આદિજાતિ મહાસંમેલનમાં દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, મહીસાગર સહિત વડોદરા ગ્રામ્યમાંથી પણ નાગરિકો સહભાગી થશેે.
પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લામાં 1259.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે તેમજ 550 કરોડના ખાતમુહૂર્ત કરશે. પંચમહાલ જિલ્લાના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ કરાશે. ઉપરાંત રેલ્વેને લગતી મહત્વની જાહેરાત પણ પ્રધાનમંત્રી કરશે. કાર્યક્રમ બપોરના 12 થી 1 દરમ્યાન શરૂ કરાશે. જેમાં પ્રધાનમંત્રી 3.30 વાગે કાર્યક્રમ સ્થળે પહોંચશે. કાર્યક્રમની વ્યવસ્થા માટે સચિવ કક્ષાના અધિકારીઓ સહિત 115 જેટલા અધિકારી કાર્યક્રમની સુચારૂ વ્યવસ્થા માટે જોડાશે.ડીડીઓ નેહા કુમારીએ જણાવ્યુ હતું કે, આ ઐતિહાસિક મહાસંમેલનમાં સહભાગી થવા નાગરિકોને ઘરે ઘરે જઇને આમંત્રણ પાઠવ્યુંું છે.
NSG, ATS, ચેતક કમાન્ડો યુનિટ હાજર
વડાપ્રધાનની સુરક્ષા માટે આખા રાજ્યમાંથી 3000 પોલીસ ખડકી દેવામાં આવી છે. દાહોદના એસ.પી બલરામ મીણાએ જણાવ્યું હતું કે, મહાસંમેલન સ્થળે સુરક્ષા માટે એક IGP, 2 DIG, 12 SP, 36DySP તેમજ 100 PI, 300 PSI સહિત 3000થી પણ વધુ પોલીસનો બંદોબસ્ત કરાયો છે. જેમાં હોમગાર્ડના પણ 700 જવાનોને સામેલ કરાશે. NSG, ATS સહિત ચેતક કમાન્ડો યુનિટ સાથે પણ સંકલન સાધીને સુરક્ષા વ્યવસ્થા કરાઇ છે. 200 જેટલા CCTVની બાજનજર રહેશે. તમામ રૂટ અને આસપાસના વિસ્તારોમાં સઘન ચેકિંગ કરાઇ રહ્યું છે, ટ્રાફિક નિયમન માટે બફર ઝોન બનાવી ટ્રાફિકની વ્યવસ્થા કરાઇ છે. તેમજ કલર કોડ રખાયો છે. બસ સહિત 17 હજારથી વધુ વાહનો માટે 12 પાર્કિગ સહિતની વ્યવસ્થા કરાઇ છે.
દાહોદમાં નવા રેલવે એન્જિન બનશે?
20મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવી રહ્યા છે ત્યારે આ સમયે રેલવે સંબંધી મોટી ઘોષણા કરવામાં આવશે. વડાપ્રધાન ઉપરાંત રેલવે મંત્રી પણ દાહોદ આવવાની વાતો છે ત્યારે રેલવે મામલે સમૃદ્ધ એવા દાહોદમાં હાલમાં રેલવે એન્જિન નું કામ થઈ રહ્યું છે પરંતુ હવે દાહોદ શહેરમાં નવા રેલવે એન્જિન બનાવવાના કારખાનાનું અહીં નિર્માણ કરાય તેવી દિશાઓ ઊજળી જોવાઇ રહી છે.20મી તારીખે નવા રેલવે એન્જિન કારખાનાની ઘોષણા સાથે તેનું ખાતમુહૂર્ત પણ કરાય તેવું વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.જોકે આ બાબતને કોઈ સત્તાવાર સમર્થન પ્રાપ્ત થયું નથી. ઉલ્લેખનીય છે કે ભારતભરમાં પાંચ સ્થળે રેલવે એન્જિન બનાવવાના કારખાના ચાલે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.