લાંચિયો ASI:દાહોદમાં પ્રેમી પંખીડા ભાગી જવા મામલે સમાધાન કરાવવાના ASIએ 10 હજાર માંગ્યા, ACBએ છટકું ગોઠવી રંગેહાથ ઝડપી લીધો

દાહોદ12 દિવસ પહેલા
  • ASI લાંચ લેતા ઝડપાતા શહેર સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી
  • છોકરા પક્ષવાળાએ દાવા પેટે નક્કી કરેલા રૂપિયા છોકરી પક્ષવાળાઓને આપ્યાં ન હતા

દાહોદના શહેર ટાઉન પોલીસ મથકના ASI રૂપિયા 10 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયા હતા. ASI (જમાદાર) તરીકે ફરજ બજાવતાં પોલીસ કર્મચારી એક જાગૃત નાગરિક પાસેથી પ્રેમી પંખીડા ભાગી જવા મામલે દાવાના નિકાલ માટે રૂપિયા 10 હજારની માંગણી કરી હતી.

આ લાંચના રૂપીયા જાગૃત નાગરિક આપવા માંગતો ન હોવાને કારણે તેણે એ.સી.બી. પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી એ.સી.બી. પોલીસની ટીમે દાહોદ ટાઉન પોલીસમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં ASI રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયો હતો. જેથી શહેર સહિત જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી હતી.

આ અંગે મળતી માહિતી પ્રમાણે એક જાગૃત નાગરિકના ભાઈની દિકરી બે મહિના અગાઉ મધ્યપ્રદેશના દેમારા ગામના છોકરા સાથે ભાગી ગઈ હતી. જેનો પંચ રાહે જે તે વખતે સમાધાન કરી દાવા પેટે નક્કી કરેલા રૂપિયા છોકરા પક્ષવાળાઓ આપ્યાં ન હતા. જેથી ચાર - પાંચ દિવસ સુધી જાગૃત નાગરીકના ભાઈએ છોકરાપક્ષ વાળાને પકડી તેમના ઘરે બેસાડી દીધો હતો. જે અંગે તા.17 નવેમ્બરના રોજ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાંથી બદાભાઇ દલસીંગભાઈ ચૌહાણ જમાદારનો જાગૃત નાગરિકના ભાઇ ઉપર ફોન આવ્યો હતો. જેમાં તેઓએ છોકરાને હાજર કરવા જણાવ્યું હતું. જેથી જાગૃત નાગરિક તથા ગામના અન્ય માણસો છોકરાને લઇ દાહોદ ટાઉન પોલીસ સ્ટેશનમાં આવ્યાં હતાં.

આ દરમિયાન ત્યા દેમારા ગામના માણસો પણ હતા. આ અંગેનું સમાધાન કરી છોકરા પક્ષવાળાએ છોકરી પક્ષને રૂપિયા એક લાખ દાવા પેટે આપવાના જે બાકી હતા તે પૈસા આપ્યાં હતાં. જેથી બદાભાઇ જમાદારે જાગૃત નાગરિકને કહ્યું હતું કે, તમારો નિકાલ કરી આપ્યો છે તો મને રૂપિયા 20 હજાર આપવા પડશે. જેથી જાગૃત નાગરિકે ઓછુ વત્તા કરવા કહ્યું હતું. ત્યારે રૂપિયા દસ હજાર નક્કી થયાં હતાં.

આ રૂપિયા 10 હજાર લાંચની રકમ જાગૃત નાગરિક ASIને આપવા માગતા ન હતા. જેથી તેઓએ એસીબી પોલીસનો સંપર્ક કર્યો હતો. તેઓની ફરિયાદ આધારે આજે રવિવારે દાહોદ એ.સી.બી. પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર પી.કે. અશોડા તથા તેમની ટીમે દાહોદ શહેર પોલીસ મથકના પ્રથમ માળે ડી સ્ટાફની ઓફિસ તરફ છટકું ગોઠવ્યું હતું. આ દરમિયાન જમાદાર બદાભાઈ જાગૃત નાગરિક પાસેથી રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે એ.સી.બી.ના હાથે ઝડપાઈ ગયા હતા. ત્યારે સમાચાર વાયુવેગ દાહોદ શહેર, તાલુકા અને જિલ્લા પોલીસ બેડામાં ફેલાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

અન્ય સમાચારો પણ છે...