રાછવા ગામે એક માસ પહેલાં પરીણિતાએ નદીના કોતરમાં જઇને ફાંસો ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી. ત્યારે આ મામલે તપાસ બાદ પતિ સહિતના સાસરિયા વસ્તારમાં છોકરો થતો ન હોવાથી ત્રાસ ગુજારતા હોઇ આ અવીચારી પગલું ભર્યુ હોવાનું સામે આવ્યુ હતું. આ મામલે પોલીસે 5 લોકો સામે આપઘાતના દુષ્પ્રેરણનો ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર તાલુકાના તરમકાંચ ગામની વર્ષાબેનના લગ્ન રાછવા ગામના નીચવાસ ફળિયામાં રહેતાં જગદીશભાઇ ચૌહાણ સાથે થયા હતાં.
વર્ષાબેનને વસ્તારમાં બે છોકરીઓ હતી. તેમને છોકરા થતાં ન હતાં. જેથી પતિ જગદીશ સાથે સાસુ, સસરા, જેઠ અને જેઠાણી અવાર-નવાર મેણા ટોણા મારતાં હતાં. આ સાથે જગદીશભાઇ દ્વારા શારીરિક તેમજ માનસિક ત્રાસ પણ ગુજારવામાં આવતો હતો. આ બાબતથી કંટાળેલી વર્ષાબેને 6 ડિસેમ્બરની સવારના 7 વાગ્યાથી 9.30 વાગ્યાના સમય ગાળામાં ગામમાં મોતી નદીના કોતરમાં જઇને ઝાડ ઉપર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
આ મામલે પોલીસે અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કરીને તેના પિયર પક્ષના લોકોની પુછપરછ હાથ ધરી હતી. ત્યારે વર્ષાબેનને વસ્તારમાં છોકરો થતો ન હોવાથી તેમને અપાતા ત્રાસને કારણે આપઘાત કર્યો હોવાનું નિવેદન આપ્યુ હતું. તેના આધારે ધાનપુર પોલીસે પતિ જગદીશભાઇ, સસરા છબાભાઇ, સાસુ સીતીબેન, જેઠ ઇશ્વર અને જેઠાણી મમતાબેન સામે આપઘાતના દુષ્પ્રેરણ અને શારીરિક -માનસિક ત્રાસ અંગેનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.