પોલીસને સફળતા:દેવગઢ બારીયાના પીપલોદમા થયેલી 31 લાખની લૂંટમા વધુ બે ઝડપાયા, સોનાના દાગીના લઇ ઓગાળી દેનાર સોની પણ સળિયા પાછળ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપીઓ પાસેથી સોનાના દાગીના તેમજ મોબાઈલ મળી રૂ. 1.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો 29મી સપ્ટેમ્બરના રૂ. 31 લાખ 62 હજારની લૂંટ કરી હતી

દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા તાલુકાના પીપલોદમાં ભાજપના અગ્રણીના મકાનમાં ધાડપાડુંઓએ કરેલ લુંટના બનાવમાં અન્ય વધુ બેને ઝડપી પાડયા છે. તેમની પાસેથી સોનાના દાગીના તેમજ મોબાઈલ મળી રૂ.1 લાખ 84 હજાર 900નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

તારીખ 29મી સપ્ટેમ્બરના રોજ પીપલોદના પંચેલા ગામે પીઠા વિસ્તાર ફળિયામાં રહેતાં ભાજપના અગ્રણી અને ઘનશ્યામ હોટલના માલિક ભરતભાઈ રણછોડભાઈ ભરવાડના મકાનમાં મધ્યરાત્રીના સમયે ધાડપાડ લુંટારૂંઓનું ટોળું આવ્યું હતું. ભરતભાઈ સહિત તેમના પરિવારજનોને બાનમાં લઈ રોકડા રૂપીયા તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂ. 31 લાખ 62 હજારની સનસનાટી ભરી લુંટ ચલાવી ધાડપાડુ લુંટારૂં નાસી જતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.

દાહોદ એલ.સી.બી. પોલીસે આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી તપાસનો ધમધમાટ આરંભ કરતાં અગાઉ આ લુંટમાં સામેલ બે લુંટારૂઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ઝડપાયેલા ખજુરીયા ગેંગના બે લુંટારૂઓની ઘનિષ્ટ પુછપરછ અને બાતમીને આધારે વધુ ત્રણ ધાડપાડું લુંટારૂં કાટું ગામે હોવાનુ જાણવા મળ્યુ હતુ. તેમના રહેણાંક વિસ્તારમાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે છુપા વેશમાં કાટું ગામે કોમ્બીંગ હાથ ધર્યું હતું. જેમાં શકરીયા ઉર્ફે શંકર ભુરજીભાઈ મોહનીયા (રહે.કાટું, તા.ધાનપર, જિ.દાહોદ) અને નિકેશ ઉર્ફે નિકો જવસીંગભાઈ પલાસ (રહે. ખજુરીયા, નિનામા ફળિયું, તા. ગરબાડા, જિ.દાહોદ) બંન્ને તેમના કાટું ગામેથી ઝડપી પાડ્યાં હતાં.

ઉપરોક્ત બંન્ને ધાડપાડું લુંટારૂંઓએ પોતાના ભાગમાં આવેલ સોના-ચાંદીના દાગીના તે દાગીના લીમખેડા તાલુકાના ચીલોકાટ ગામે રહેતાં ભરત પંચાલને આપેલા હતાં. ભરત પંચાલે આ દાગીના ઓગાળી દીધાં હતાં. પોલીસે ભરતની પણ અટક કરી છે અને તેમની પાસેથી ઓગાળેલા દાગીનાની લગડી કબ્જે કરી હતી.

ચોરીના દાગીના લેનાર સોનીએ દાગીના ઓગાળી દીધા હતા
ચોરીના દાગીના લેનાર સોનીએ દાગીના ઓગાળી દીધા હતા

પકડાયેલા લુંટારૂં પૈકી શકરીયા મોહનીયા અગાઉ મોરબી જિલ્લાના હળવદ તેમજ નવસારી વિસ્તારમાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે. જ્યારે નિલેશ પલાસ અગાઉ જામનગર જિલ્લાના જામજોધપુર, કાલાવાડ, લાલપુર, દેવભુમિ દ્વારા તેમજ મોરબી જિલ્લાના વાંકાનેર, રાજકોટ, ગ્રામ્ય ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુનામાં પકડાઇ ચૂક્યાં છે.

આમ, દાહોદ એલ.સી.બી. પોલીસે સંયુક્ત ટીમનો મદદથી અત્યાર સુધી આ લુંટના ગુનામાં ચાર લુંટારૂંઓ સહિત પાંચ જણાને ઝડપી પાડ્યાં છે અને રૂ.1 લાખ 84 હજાર 900નો મુદ્દામાલ ઉપરોક્ત બંન્ને લુંટારૂંઓ પાસેથી કબજે કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...