દાહોદ શહેરના હમીદી મહોલ્લામાં રહેતાં યુનુસ અકબરભાઇ કતવારાવાલાની તેમંના ઘરથી 500 મીટર દૂર દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં શનિવારે ચાકુના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી દેવાઇ હતી. આ ગુનાઇત કૃત્ય દાહોદ શહેરના ગોધરા રોડ સ્થિત મેમુન નગરના ખાજાપાર્ક સોસાયટીમાં રહેતાં મુસ્તુફા સાકીર ઉર્ફે બાદશાહ શેખ દ્વારા આચરવામાં આવ્યુ હોવાનું ખુલ્યું છે. દાહોદમાં ધોળે દિવસે ભરબજારમાં જમીન દલાલ યુનુસભાઇની હત્યા કરનાર મુસ્તુફા શેખ શહેરની લેબોરેટરીમાં સેમ્પલ કલેક્શનની કામગીરી કરતો હતો.
હત્યા કર્યા બાદ ફરાર થયેલો મુસ્તુફા તો પોલીસના હાથ લાગ્યો નથી પરંતુ તેના પિતા સાકીર ઉર્ફે બાદશાહ પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. હત્યા માટે મુસ્તુફા જીજે-20-એફ-3313 નંબરની જે બાઇક ઉપર આવ્યો હતો તે બાઇક રાબડાલ હાઇવે ઉપર મંદીર પાસેથી પોલીસને મળી આવી હતી. પોલીસે આખા શહેરના સીસી ટીવી ફુટેજ ખંગાળ્યા હતા ત્યારે મુસ્તુફા યનુસભાઇનો પીછો કરતો જોવા મળ્યો હતો.
જેથી આ પૂર્વયોજિત કાવતરૂ હોવાનું નકારી શકાય તેમ નથી. મુસ્તુફાના પિતા સાકીરભાઇ પણ જમીન અને મકાન દલાલીનું કામ કરે છે ત્યારે કોઇ મેટરમાં તેમની વચ્ચે તકરાર હતી કે પછી આ વ્યવસાયમાં ઘણા લોકો જોડે જુની દુશ્મની હોવાથી કોઇકે યનુસભાઇની હત્યા કરવા માટે મુસ્તુફાને મહોરો બનાવ્યો હતો તે બાબત ઉપરથી મુસ્તુફા પકડાયા બાદ જ પરદો ઉઠે તેમ છે.
મૃતકની પત્ની મુનીરાબેનની ફરિયાદના આધારે મુસ્તુફા સામે નામજોગ હત્યા સબંધિ ગુનો દાખલ કર્યા બાદ શહેર પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. રવિવારે એફએસએલે ઘટના સ્થળની મુલાકાત લઇને નમૂના ભેગા કર્યા હતાં.
5 મિનિટમાં ચાકુના 15થી વધુ ઘા માર્યા
યુનુસભાઇની હત્યાના ઇરાદે જ આવ્યો હોય તેમ યુવકે તેમના માત્ર પાંચ મીનીટમાં તેમના પગથી માંડીને માથા સુધીના ભાગે ચાકુના 15થી વધુ ઘા માર્યા હોવાનું જાણવા મળ્યુ છે. કપાળમાં જમણા કાન પાસે, માથાની પાછળ ડાબી બાજુ, છાતીમાં, પડખાના ભાગે, ડાબા પગની સાથળ અને ઢીચણ ઉપર મળીને કુલ 15થી વધુ ઘા માર્યા હતાં.
પતિ મને બેગ આપીને ગયાને 10-15 મિનિટમાં મારા ફઇજીનો ફોન આવ્યો
મૃતક યુનુસભાઇના પત્ની મુનીરાબેને પોલીસ ફરિયાદમાં જણાવ્યુ હતું કે,‘‘ હું તથા મારી છોકરી સલમા તથા હાની અમે અમારા ઘરે હતા અને માતા પિતા અબ્દુલહુસેન સાંજના ચાર વાગ્યે કરિયાણાની દુકાને ગયા હતાં. મારા પતિ યનુસભાઇ સાંજના આશરે સાડા ચારેક વાગ્યે બાઇક લઇને બજારમાં ગયા હતાં. અને સાંજના સાડા પાંચેક વાગ્યે મને ફોન આવ્યો હતો અને પતિ યુનુસભાઇએ કહ્યુ હતુ કે, નીચે ઉતરીને મારી પાસેથી બેગ લઇ જા, તેમ કહેતાં હું ઘરથી નીચે ઉતરી હતી.
માર પતિ પાસેથી બેગ લેતા તેઓ ફરી બજારમાં ગયા હતાં. આશરે 10-15 મીનીટ પછી મારા ફઇજી બાનુબેનનો મારા ફોન ઉપર ફોન આવ્યો અને મને કહ્યુ હતું કે,તારા પતિને એક મોટર સાઇકલ ચાલકે ચપ્પુના ઘા કુકડા ચોક પાસે માર્યા છે. જલદી પહોંચ કહેતાં હું તથા મારી બંને છોકરીઓ કુકડા ચોકમાં ગયા અને ત્યાં મારા પતિ રોડ ઉપર પડેલા હતાં અને લોહી નીકળતુ હતું. મેં લોકોની પુછપરછ કરતાં મોટર સાઇકલ હટાવવા બાબતે મુસ્તફા નામક યુવકે ચપ્પુ માર્યા હોવાનું જાણવા મળ્યુ હતું.
મૃતકની ઘણા સાથે તકરાર
મૃતક યુનુસ કતવારાવાલા જમીન-મકાનની દલાલીનો ધંધો કરતો હતો. ત્યારે જમીન લેવેચ બાબતે તેની ઘણા લોકો તકરારો થઇ હતી. જેના પોલીસ મથકે કેસો પણ થયેલા છે. આ સાથે કોર્ટમાં પણ કેસો ચાલી રહ્યા હોવાનું યુનુસભાઇની પત્નીએ પોલીસને જણાવ્યુ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.