દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામે પાલતુ બળદને એક બાજુથી બીજી બાજુ બાંધવા માટે લઇ જતી વેળાએ બળદે પોતાના માલિક વૃદ્ધને ફંગોળ્યા હતાં. આ સાથે તેણે વૃદ્ધને પગ વડે કચડતાં ગંભીર ઇજા થઇ હતી. અમદાવાદ ખાતે દાખલ કરાયેલા વૃદ્ધનું મોત થઇ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કાળીયા ગામે રહેતાં 55 વર્ષિય વેચાતભાઈ નાથાભાઈ બરજોડ પોતાના પાળેલા બળદને એક જગ્યાએથી બીજી જગ્યાએ બાંધવા માટે લઇ જતાં હતાં. તે વખતે દોરડુ પકડીને આગળ ચાલતાં વેચાતભાઇ ઉપર કોઇ કારણોસર ભડકેલા બળદે ભેટી મારીને તેમને ફંગોળતાં તેઓ જમીન ઉપર પટકાયા હતાં.
આટલુ ઓછુ હોય તેમ બળદે તેમને પગ નીચે કચડતાં ગંભીર ઇજા થઇ હતી. બૂમો સાંભળીને દોડી આવેલા પરિવારે તેમને બચાવીને તાત્કાલિક અસરથી ફતેપુરાના દવાખાને ખસેડ્યા હતાં. વધુ ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી વેચાતભાઇને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતાં. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થઇ જતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.