દાહોદ જિલ્લાના ચમારિયા ગામના રહેવાસી અને સંજેલીમાં મેડિકલ સ્ટોર્સ ચલાવતાં યુવકે ધોરણ 10નું હિન્દીનું સોલ્વ થયેલું પેપર ફેસબુક ઉપર અપના અડ્ડા નામક ગ્રુપમાં અપલોડ કરવાના પ્રકરણમાં તેના સહિત પાંચ લોકો સામે ગુનો દાખલ થયો હતો. જેમાં સિંગવડ તાલુકાના મેથાણ ગામનો અમીત ભરત તાવિયાડ મુખ્ય સૂત્રધાર હોવાનું સામે આવ્યુ હતું.
નાની સંજેલીના સુરેશ દલસિંગ ડામોર, જયેશ દલસિંગ ડામોર,ચમારિયાના ઘનશ્યામ જગદીશ ચારેલ અને સંતરામપુર તાલુકાના કાળીબેલ ગામના વતની તેમજ નાની સંજેલીમાં પ્રાથમિક શિક્ષક શૈલેષ મોતી પટેલની ધરપકડ બાદ જ્યુડિશ્યલ કસ્ટડીમાં નાખી દેવાયા હતાં. પોલીસે અમીતની પણ ધરપકડ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં. બુધવારના રોજ રિમાન્ડ પૂર્ણ થતાં તેને પણ જ્યુડિશ્યલ કસ્ટડીમાં નાખી દેવાયો છે. આ પ્રકરણમાં પોલીસની તપાસ ચાલી જ રહી છે ત્યારે હજી કેટલાંક લોકોના નામ ખુલશે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.