દાહોદ નગર પાલિકાની સામાન્ય સભા શુક્રવારે પાલિકાના વોટર વર્કસમાં યોજાઇ હતી. પાલિકા પ્રમુખ રીનાબેન પંચાલે સભાનો પ્રારંભ કરાવ્યા સાથે જ વિરોધ પક્ષના નેતા કાઇદ ચુનાવાલાએ સભા ગેરકાયદે હોવાનો પોકાર કર્યો હતો.
આ વખતે પ્રમુખ રીનાબેન એજેન્ડાના કામો વાંચતાં રહ્યા હતા અને ભાજપના સભ્યો સ્થળ ઉપર ઉભા થઇને મંજુર, મંજુર કહીને ટેબલ ઠોકતા રહ્યા હતાં. એજેન્ડામાં સમાવિષ્ટ 20 કામો સડસડાટ વાંચી જવાતા સામાન્ય સભા માત્ર પાંચ જ મીનીટમાં પૂર્ણ થઇ ગઇ હતી. જોકે,ત્યાર બાદ પણ વિવાદ શમ્યો ન હતો. સાશક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલ્યુ હતુ.
સામાન્ય સભામાં બંને પક્ષો વચ્ચેનું એક બીજા સામે આક્ષેપ પ્રતિઆક્ષેપનું શાબ્દિક વાવાઝોડુ શાંત થયા બાદ સભામાં હાજર રહેલા સ્માર્ટસિટીના કર્મચારીઓએ શાસક પક્ષના સુધરાઇ સભ્યોને વિવિધ માહિતી આપી હતી. જ્યારે કોંગ્રેસના સુધરાઇ સભ્યો કાઇદ ચુનાવાલા, ઇસ્તિયાક સૈયદ, લક્ષ્મીબેન ભાટ અને તસ્નીમ નલાવાલા તેનાથી દૂર રહ્યા હતાં. ભારે વિરોધની આશંકાના પગલે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે સભા સ્થળે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો.
શું વિવાદ હતો
દાહોદ નગર પાલિકા દ્વારા શુક્રવારે સાંજે પાલિકાના જ સેન્ટ્રલ વોટર વર્કસમાં ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. નગર પાલિકા અધિનિયમની કલમ 51 અને51(4) મુજબ પાલિકા કચેરી સિવાય સમાન્ય સભા યોજી શકાય નહીં અને યોજવી હોય તો કારણ દર્શાવવુ પડે તેમ હોઇ કોંગ્રેસના સભ્યોએ તેનો વિરોધ દર્શાવ્યો હતો અને સભા રદ કરવાની અરજીઓ કરી હતી જ્યારે સાશક પક્ષે એજેન્ડા ફેરવ્યા તે વખતે જ કારણ દર્શાવ્યાનું જણાવીને સભા વોટરવર્કસમાં જ યોજતાં સભા તોફાની બની હતી.
પાલિકાની સભાનું સ્થળ વોટરવર્કસમાં કેમ રાખવામાં આવ્યંુ હતું
પાલિકાના તમામ સભ્યોને જુદા-જુદા વિસ્તારમાં પાણીના સપ્લાય તેમજ તેના પ્રેશર બાબતની જાણકારી, જુદા-જુદા વિસ્તારમાં પાણી સપ્લાય કઇ ટાંકીથી કેટલાં વિસ્તાર તેમજ કેટલા સમય અને કયા સમયે બાબતની સંપૂર્ણ જાણકારી મળે. આવનાર સમયમાં દાહોદમાં દરરોજ પાણીનો સપ્લાય આપવા બાબતે ખુટતી કડીઓની વિસ્તૃત ચર્ચા અને શહેરનો વિસ્તાર વધે, તેમાટે મુખ્ય આયોજનની પણ ચર્ચા માટે સભા સેન્ટ્રલ વોટર વર્કસ ખાતે રખાઇ હતી.
સસ્તી પ્રસિદ્ધિ માટે વિરોધ
એજેન્ડા ફેરવ્યો તે વખતે જ સામાન્ય સભાનું સ્થળ બદલવાનું કારણ દર્શાવ્યુ હતુ. જેમાં કોંગ્રેસના સભ્યોએ સહિઓ કરી ન હતી. સસ્તી પ્રસિદ્ધિ માટે આ વિરોધ કરી રહ્યા છે. સભ્યોને વિવિધ માહિતી મળી રહે તે માટે આ વખતે સ્થળ બદલ્યુ હતું. - રીનાબેન પંચાલ, પ્રમુખ, દા.ન.પા
ન્યાય નહીં તો હાઇકોર્ટ જઇશું
વોટર વર્કસમાં સામાન્ય સભાનો માત્ર એજેન્ડા જ ફેરવ્યો હતો. તેમાં સામાન્ય સભાનું સ્થળ બદલવાનું કોઇ જ કારણ દર્શાવાયુ ન હતું અને એટલે જ અમે અગાઉથી કલેક્ટર અને પ્રાદેશિક કમિશ્નરને લેખિત રજૂઆત કરી હતી. આજે અમે લેખિત વિરોધ પણ રજૂ કર્યો છે. ફરીથી પ્રાદેશિક કમિશ્નરને રજૂઆત કરીશું અને ત્યાં ન્યાય નહીં મળે તો હાઇકોર્ટનો આશરો લઇશું. - કાઇદ ચુનાવાલા, નેતા વિરોધપક્ષ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.