પડકારરૂપ:આંતરરાજ્ય તમામ બોર્ડર સીલ પણ 80 અંતરિયાળ માર્ગ પોલીસ માટે પડકારરૂપ

દાહોદ3 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દાહોદ જિલ્લામાં બૂટલેગરોને બળ પૂરી પાડતી મ.પ્ર- રાજસ્થાનને જોડતી પગદંડીઓ
 • ખાળેે ડૂચા દરવાજા ઉઘાડા જેવો ઘાટ : મુખ્ય માર્ગો ઉપર ચોકસાઇ વધતાં અંતરિયાળ માર્ગો ઉપર દારૂનો ટ્રાફિક વધ્યો : જિલ્લામાં આંતરરાજ્ય 24 ચેકપોસ્ટ ઉભી કરાઇ : 5 તાલુકાના 56 ગામોને બોર્ડર અડે છે

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદેથી દાહોદ જિલ્લામાં દારૂનો પ્રવેશ રોકવો તે હંમેશા પોલીસ માટે પડકાર બની રહ્યો છે. વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને મધ્યપ્રદેશ અને રાજસ્થાનની તમામ બોર્ડરો ચેકપોસ્ટ ઉભી કરીને સીલ કરી દેવામાં આવી છે પણ દાહોદ જિલ્લામાં પ્રવેશવાના આવા 80 માર્ગો અને પગદંડીઓ છે. જે બૂટલેગરોને ચુંટણીમાં બળ પુરૂ પાડશે. વિધાન સભાની ચુંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે પોલીસે ગુ્નાઇત માનસિકતા વાળા લોકો અને દારૂ રોકવા બોર્ડર વિસ્તારમાં હાલ 24 ચેકપોસ્ટ ઉભી કરી છે પરંતુ અહીં પ્રવેશવાના 80 માર્ગેને કારણે ક્યાં-ક્યાં નાકાબંધી કરવી તે યક્ષ પ્રશ્ન બન્યો છે.

દાહોદ શહેરની પૂર્વ દિશામાં 20 કિમી અને દક્ષિણે 35 કિમી દૂર મધ્ય પ્રદેશ અને ઉત્તરે 45 કિમી દૂર રાજસ્થાનની સરહદ લાગે છે. ગુજરાતના દાહોદ અને તેની આસપાસના જિલ્લાઓની દારૂની ખોટ અહીંના અંતરિયાળ માર્ગોથી ખેપ મારીને પૂરી કરાતી હોય છે. દાહોદ જિલ્લાના 9 તાલુકામાંથી 5 તાલુકા જેમાં દાહોદ, ગરબાડા, ધાનપુર, ઝાલોદ અને ફતેપુરા રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરહદ ઉપર આવેલા છે. આ પાંચેય જિલ્લાના 56 ગામો બંને રાજ્યોની સરહદ પર આવેલા છે. આ તાલુકાઓમાં ફતેપુરા તાલુકાના 15 ગામો રાજસ્થાનની સરહદ પર છે. તેવી જ રીતે ઝાલોદના 11 ગામ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે દાહોદના 8,ગરબાડાના 18 અને ધાનપુરના 5 ગામ મધ્ય પ્રદેશની સરહદ પર આવેલા છે.

છેલ્લા 11 માસમાં 9.93 કરોડનો જથ્થો જપ્ત

 • દેશી દારૂ
 • 8500 લિટર
 • 1990 કેસ
 • ~1.70 લાખ

વિદેશી દારૂ

 • 31611 બોટલ
 • 1221 કેસ
 • 5.25 કરોડ
 • શું છે મોડ્સ ઓપરેન્ડી

પોલીસની ચોકસાઇ છતાં રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાથી અંતરિયાળ માર્ગો દ્વારા લવાયેલા દારૂનો દાહોદ જિલ્લામાં સંગ્રહ કરી દેવામાં આવે છે. ત્યાર બાદ વાહનો દ્વારા ટુકડે-ટુકડે તે પોતાના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવતો હોવાની બૂટલેગરોની આ વર્ષોની મોડ્સ ઓપરેન્ડી રહી છે.

હાલમાં કઇ બોર્ડર પર કેટલી ચેકપોસ્ટ

 • દાહોદ તાલુકાના ઉચવાણિયા, રવાળીખેડા, ખંગેલા, ટાંડા, આગાવાડા અને ખરોદામાં ચેકપોસ્ટ ઉભી કરાઇ છે.
 • ગરબાડા તાલુકાના મીનાક્યાર,નીમચ ધાનપુર તાલુકામાં કાંકણખીલા,દે.બારિયા તાલુકામાં ફાંગિયા, સાગારામામાં ચેકપોસ્ટ બનાવાઇ છે.
 • ઝાલોદ તાલુકામાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંનેની બોર્ડર લાગે છે ત્યારે અહીં ટીમ્બી, ધાવડિયા ત્રણ રસ્તા,ઠુઠી કંકાસિયા,ગરાડુમાં ચેકપોસ્ટ ઉભી કરાઇ છે.
 • સિવાય સાલિયા, કેસરપુર ચોકડી અને સીંગાપુર ઘાટામાં પણ ચેક પોસ્ટ ઉભી કરવામાં આવી છે.

14 દિવસમાં દારૂના 334 કેસ, 18 લાખનો જથ્થો જપ્ત!
દાહોદ જિલ્લામાં વિધાન સભાની ચૂંટણી ટાંણે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બનેલી રહે અને દારૂ તેમજ ગેરકાયદે વસ્તુઓની હેરાફેરી અટકે તે માટે આંતરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે પરંતુ અંતરિયાળ રસ્તા દ્વારા બૂટલેગરો દારૂની હેરાફેરી હાલ પણ કરી રહ્યા છે. તેના પરિણામ સ્વરૂપ છેલ્લા 14 દિવસમાં આખા જિલ્લામાં દેશી અને વિદેશી દારૂનો કબજો, હેરફેર સહિતના 334 કેસ કરવામાં આવ્યા છે. આ કેસોમાં 18 લાખ રૂપિયાનો દારૂ તેમજ વાહનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પોલીસ દ્વારા આખા જિલ્લામાં 14 સપ્ટેમ્બર સુધી દારૂના 119 કેસ કર્યા હતાં. ત્યારે આ 14 દિવસ દરમિયાન દારૂના કેસોમાં દોઢ ગણો વધારો નોંધાયો છે.

ઉલ્લેખનિય છે કે, દાહોદ જિલ્લાના 5 તાલુકાના 54થી વધુ ગામોને રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ લાગુ પડતી હોય છે. અને આ તમામ ગામડાઓનો રોટી-બેટીનો વ્યવહાર પણ આંતર રાજ્ય થતો હોય છે. જેથી અવાર નવાર ત્યાંથી અવર જવર વધતી હોય છે. પરંતુ તાજેતરમાં વિધાનસભાની ચૂંટણીના પગલે આંતર રાજ્ય સરહદો પોલીસ દ્વારા સીલ કરવામાં આવતાં અંતરીયાળ માર્ગો બુટલેગરો માટે આર્શિવાદ રૂપ સા઼બીત થઇ રહયા હોય તેમ લાગી રહ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...