ઘટસ્ફોટ:ગુનો કર્યા બાદ મધ્ય પ્રદેશના 87 આરોપી ખોટા નામ, સરનામા લખાવી ગયા!

દાહોદ14 દિવસ પહેલાલેખક: ઇરફાન મલેક
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • મ. પ્ર. પોલીસ ગુજરાતના વોરંટની બજવણી કરવા જતાં ઘટસ્ફોટ
  • અલીરાજપુર જિલ્લાનું એડ્રેસ ધરાવતાં 168 ગુનેગારો ગુજરાતમાં જ હોવાનું ખુલ્યું

વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલા ગુજરાત રાજ્યના દાહોદ જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે ચૂંટણી પતે તે માટે પોલીસ દ્વારા જિલ્લાના સ્થાનિક ગુનોગારો સાથે પાડોશી મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના આરોપીઓ ઉપર પણ વિવિધ પ્રકારે સંકંજો કસી રહી છે. ત્યારે દાહોદ પોલીસે દાહોદ જિલ્લામાં ગુનો કરી ગયેલા પાડોશી મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લાના 440 આરોપીઓ વિવિધ ગુના કર્યા બાદ કોર્ટમાં હાજર થતાં ન હતાં.

પોલીસ વિભાગમાં ખળભળાટ
જેથી પોલીસે આવા આરોપીઓ સામે કોર્ટમાંથી વોરંટ કઢાવ્યા હતાં. વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને ત્રણે રાજ્યના અધિકારીઓ વચ્ચે ત્રણ વખત મીટીંગ થયા બાદ એકબીજાના સંકલનમાં કામ કરવાનું નક્કી થયું હતું. ત્યારે દાહોદ પોલીસે અલિરાજપુર પોલીસને આ 440 વોરંટ બજવણી માટે મોકલી આપ્યા હતાં. મધ્ય પ્રદેશ પોલીસની કાર્યવાહી દરમિયાન માત્ર 47 વોરંટની જ બજવણી થઇ શકી હતી. 87 વોરંટની બજવણી કરવા જતાં તેમાં લખેલા નામ અને સરનામા જ ખોટા હોવાનું સામે આવતાં પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.

138 વોરંટની બજવણી કરવાની કાર્યવાહી
બીજી તરફ અલિરાજપુર જિલ્લાના વિવિધ ગામમાં પોતાનું વતન ધરાવતાં 168 ગુનેગાર એવા હતા કે જે વતની તો ત્યાંના હતા પરંતુ હાલમાં મજુરી કામ કે અન્ય કામ અર્થે ગુજરાતમાં હોવાનું સામે આવ્યુ હતું. બાકી રહેલા 138 વોરંટની બજવણી કરવાની કાર્યવાહી ચાલી રહી હોવાનુ અલિરાજપુર પોલીસ વિભાગના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

275 હથિયાર જમા લેવાયા
વિધાન સભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ જિલ્લામાં લાયસન્સ વાળા હથિયારો તો જમા લેવામાં આવી રહ્યા છે પરંતુ દાહોદ જિલ્લાની બોર્ડર ઉપર આવેલા મધ્ય પ્રદેશના અલિરાજપુર જિલ્લા ગામોમાં પણ પાક રક્ષણ અને જાત રક્ષણના હથિયારો ધરાવતા લોકોને પોતાના હથિયાર ત્યાંના સબંધિત પોલીસ મથકમાં જમા કરાવવાની સુચનાઓ આપવામાં આવી હતી. ત્યારે અલિરાજપુર પોલીસે આવા 275 હથિયાર પોતાના પોલીસ મથકમાં જમા કરાવવામાં આવ્યા હતાં.

8.10 લાખનો દારૂ જપ્ત કર્યો
ગુજરાતની ચુંટણી સંદર્ભે અલિરાજપુર પોલીસે છ ચેકપોસ્ટ ઉભી કરીને ચેકિંગ કામગીરી શરૂ કરાઇ છે. ત્યારે આ દિવસો દરમિયાન ત્યાંના આબકારી વિભાગ દ્વારા દારૂના 797 ગુના દાખલ કરીને તેમાં 8,10,716 રૂપિયાની કિંમતની વિદેશી દારૂ અને બિઅરની 18836 બોટલો જપ્ત કરી હતી. આ સાથે 327 આરોપીઓ સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...