મુક્તિ:સાંકળથી મુક્તિ બાદ આશ્રમમાં યુવતીએ જલેબી માગી, આપતાં જ હોંશેહોંશે ખાધી

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાએ અઢી વર્ષ પહેલા દીકરીની સારવાર બંધ કરાવી દીધી હતી
  • યુવતીના ગુંચળું વળેલાં વાળ કપાયા, હાલમાં નોર્મલ હોવાનું સૂત્રોએ જણાવ્યું

દાહોદ શહેર નજીક આવેલા એક ગામમાં અસ્થિર મગજની થયેલી યુવતીને તેના માતા-પિતાએ જ ત્રણ વર્ષથી ઘરથી એક કિમી દૂર ઝૂંપડી બનાવીને પગ સાંકળ વડે બાંધી રાખ્યા હતાં. સખી વન સ્ટોપ સેન્ટર સહિત વિવિધ સંસ્થાના કર્મચારીઓએ રેસ્ક્યૂ કરીને શનિવારે આ યુવતીને મુક્ત કરાવી હતી. યુવતીને બાયડ ખાતે લઇ જતાં રવિવારની સવારે તેણે જલેબી ખાવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જોકે, માતા-પિતાએ તો અઢી વર્ષ પહેલાં જ તેની સારવાર બંધ કરાવી દીધી હોવાનું સામે આવ્યુ છે. સંસ્થા દ્વારા ગુંચડુ થઇ ગયેલા તેના વાળ પણ કાપી નાખી તેની સારવાર શરૂ કરી છે.

આ ઘટનાની કતવારા પોલીસ મથકે નોંધ પણ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદ શહેર નજીક આવેલા એક ગામમાં અસ્થિર મગજની થઇ ગયા બાદ પતિએ છૂટ્ટાછેડા આપી દેતાં અમિષા (નામ બદલ્યુ છે) પિતાના ઘરે રહેતી હતી. પ્રારંભમાં માતા-પિતાએ તેની સારવાર શરૂ કરાવી હતી પરંતુ સારુ ન થતાં પોતાના ઘરથી એક કિમી દૂર જૂના ઘરની બહાર ઝૂંપડી બનાવી તેમાં પગ સાંકળ વડે બાંધીને તેને ત્યાં જ મુકી રાખી હતી.

સખી વન સ્ટોપ સેન્ટર સહિતની સંસ્થાએ શનિવારે રેસ્ક્યૂ કર્યા બાદ તેના માતા-પિતાને કતવારા પોલીસ મથકે લઇ જવાયા હતાં. યુવતીને મુક્ત કરાવી હોવાની સ્ટેશન ડાયરીમાં નોંધ કરવા સાથે તેના માતા-પિતાના જવાબ પણ લેવાયા હતાં. જોકે, માતા-પિતાએ પોતાના બચાવમાં દવાખાનાની ફાઇલ બતાવી હતી પરંતુ તે અઢી વર્ષ જૂની હતી. અમિષાને બાયડ ખાતે જય અંબે મંદબુદ્ધિ સમાજ સેવા ટ્રસ્ટ ખાતે લઇ જવામાં આવી હતી.

ત્યાં રવિવારની સવારે અમિષાએ જલેબી ખાવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને જલેબી ખવડાવવામાં આવી હતી. કડક અને ગુંચડુ થઇ ગયેલા તેના વાળ કાપી નાખવામાં આવ્યા છે. બેડીઓમાંથી મુક્ત થયેલી અમિષાનું વર્તન હાલમાં બિલકુલ નોર્મલ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...