‘હિંમતે મર્દા તો મદદે ખુદા’:દાહોદની મહિલાએ 7 માસ હોસ્પિટલમાં રહી કોરોનાને માત આપી; ઓક્સિજન 30 થઇ ગયું છતાં તબીબોએ 6 મહિના સારવાર આપી બચાવી લીધી

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગીતાબેન ધાર્મિક કોરોનાને માત આપનાર - Divya Bhaskar
ગીતાબેન ધાર્મિક કોરોનાને માત આપનાર

શહેરના ગોધરા રોડના જમનાદાસ પાર્કમાં રહેતાં 45 વર્ષિય ગીતાબેન ધાર્મિક મે માસમાં કોરોનામાં સપડાયા હતાં. તેઓ સાત માસથી રેલવેના દવાખાનામાં હતાં જેમને શુક્રવારે રજા અપાઇ હતી. દવાખાનાના તબીબો અને સ્ટાફે તેમને ફુલ-હાર કરીને વિદાય કર્યા હતાં.

આ સાથે મોતના મુખમાંથી પરત આવેલા ગીતાબેનના પરિવારે પોતાનું ઘર શણગારીને ‘વેલકમ ફાઇટર’નું ડેકોરેશન કરીને પુરજોશમાં સ્વાગત કર્યુ હતું. તબીબોની મહેનત સાથે ગીતાબેન પોતે રાખેલી હિંમત, પતિ ત્રિલેકકુમાર, સાસુ પ્રેમલતા, દીકરી પ્રેરણાની હૂંફથી સાજા થઇ શક્યા હતાં. તબીબોએ કહ્યું કે, ઘણી વખત સિરીયસ કન્ડીશન થઇ પણ મહેનત અને તકદીરને કારણે ગીતાબેન બચ્યાં. તેમના લંગ્સમાં ફાઇબ્રોટીક ચેન્જીસ આવી ગયા હોવાને કારણે તેમને હજી થોડા દિવસ ઓક્સિજનની જરૂર પડશે.

‘3 મહિના બેભાન હતી, તને કંઇ જ નહીં થાય તેવાં વચન સિવાય કંઇ યાદ નથી’
25મી એપ્રિલે પિતાનું નિધન થતાં અમે ભોપાલ ગયા હતાં. 27મીએ તાવ આવતાં 28મીએ રેપીડ ટેસ્ટ કરાવ્યો હતો જે નેગેટિવ હતો. તબિયત વધુ બગડતાં RTPCR કરાવ્યો હતો. સીટીસ્કેન કરાવતાં મને કોરોના પોઝિટિવ આવ્યો હતો. 1 તારીખે મને રેલવે હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી, ત્યારબાદ મને વડોદરા લઇ જતાં ત્યાં બાયપેપ પર રખાઇ હતી. મને ફરી દાહોદ લાવ્યા તેટલું ધ્યાન છે. પછી મને કંઇ જ ખબર નથી. હું જાણે અર્ધબેભાન અવસ્થામાં હતી. હવે નહીં બચુ તેવા વિચારો આવતાં હતા પણ તને કંઇ જ નહીં થાય તેવો અવાજ સતત સંભળાયા કરતો હોવાથી હિંમત બંધાયેલી રહેતી હતી.

મને બહુ પીડા થતી હતી. મોઢામાં પડેલા કાંપા પણ દુખતા હતાં. ત્રણ માસ આવું ચાલ્યું. ત્યાર બાદ હું ભાનમાં હતી પણ શરીર સાથ આપતું ન હતું. પરંતુ મારા પતિ,પુત્રી અને તેમના મિત્રોની હુંફથી હું ફરી સાજી થઇ જઇશ તેવી હિંમત બંધાઇ હતી. તેમાં દવાખાનાના તબીબો અને સ્ટાફનો પણ ખૂબ મોટો ફાળો છે. તેઓ ડ્યુટી ઉપર ચઢીને પહેલા મને ગુડ મોર્નિંગ કહેવા આવતા અને પછી રજિસ્ટરમાં સહી કરવા માટે જતા હતાં. વોર્ડમાં કોઇનું નિધન થાય ત્યારે ડોક્ટર પરદો નાખી દેતા હતા પણ હું મારો ભય દુર ભગાવવા તે પરદો ખોલાવી દેતી હતી. દર્દી પોતે હિંમત રાખે અને પરિવારનો સાથે મળે તો તે કોઇ પણ બીમારીને માત આપી શકે છે.

ડૉ.અનીલસિંગ
ડૉ.અનીલસિંગ

દર મિનિટે 50 લિટર ઓક્સિ.ની જરૂર હતી
7 મેના રોજ ડિસ્ચાર્જ કર્યા બાદ 24મીએ ફરી લવાયા ત્યારે તેમની હાલત અત્યંત ગંભીર હતી. દર મીનિટે 50 લીટર ઓક્સિજનની જરૂર હતી. બે માસ વેન્ટીલેટર અને એક માસ બાયપેપ પર રખાયા. તેમને સેકન્ડરી બેક્ટેરીયલ અને ફંગલ ઇન્ફેક્શન પણ થયું હતું. વડોદરાના રેસ્પીરેટરી સ્પેશ્યાલિસ્ટ ની સલાહ મુબજ સારવાર થતી હતી.

અન્ય સમાચારો પણ છે...