દાહોદની કોર્ટમાં છુડાછેડા બાબતે ચાલતા કેસની મુદ્દત પતાવી પરત ઘરે જતી મહિલાને તેના પતિ-સસરા સહિત 3 જણે રસ્તામાં આંતરી માર મારી બળજબરી પૂર્વક રિક્ષામાં અપહરણ કરી ગયા હતા. દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળી ગામ ગુર્જર ગામના ભરતભાઈ વિનુભાઈ બિલવાળ અને તેની પત્ની આશાબેન વચ્ચે વારંવાર ગૃહકલેશ થતાં વાત છુટ્ટાછેડા સુધી પહોંચતા મામલો દાહોદની કોર્ટમાં પહોંચ્યો હતો. આશાબેને કોર્ટમાં છુટાછેડા માટે કેસ દાખલ કરાવ્યો હતો. જે કેસની દાહોદ કોર્ટમાં મંગળવારે મુદ્દત હતી. જેથી આશાબેન કોર્ટમાં આવી હતી.
મુદ્દત પતાવી પોતાના ડોકી ગામના સંબંધી મહેશભાઈ કલજીભાઈ નિનામા સાથે મોટર સાયકલ પર બેસી પરત ઘરે જઈ રહી હતી. તે દરમિયાન આશાબેનના પતિ ભરતભાઈ વિનુભાઈ બીલવાલ તેના સસરા વિનુભાઈ બચુભાઈ બીલવાલ તથા બાબુભાઈ ભેદી એમ ત્રણે જણાએ ભેગા મળી આશાબેનને ખરોડ ગામે રોડ પર રોકી તમો નીકાલ કેમ કરતા નથી અને કોર્ટમાં કેસ ચલાવો છો.
તેમ કહી ગાળો બોલી મહેશ નિનામા તથા આશાબેનને ગડદાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી. આશાબેનને બળજબરીથી રીક્ષામાં બેસાડી અપહરણ કરી ગયા હતા. આ અંગે મહેશ નિનામાએ ભરત બીલવાલ, તેના પિતા વિનુ બીલવાલ તથા બાબુ ભેદી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે અપહરણ અને મારામારીનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.