દાહોદની ગોવર્ધન નાથજી “હવેલી ગ્રુપ” દ્વારા દેસાઈવાડ સ્થિત ન.છો.શાહ વણિક વાડીમાં શનિવારની રાતના હોળીના રસિયા ગીતોનો ખૂબ સફળ કાર્યક્રમ યોજાયો હતો. વૈષ્ણવ હવેલીઓમાં અને અન્ય લોકો દ્વારા વસંતપંચમીથી 41 દિવસ સુધી વસંત ધમારના ખેલો દ્વારા ફાગ અને રસિયાગીતો દ્વારા ભક્તિભાવ પ્રકટ કરી વ્રજભક્તો, પ્રભુ સાથે વિહાર કરતા હોય તેમ હોળીના રસિયા ગાય છે.
દાહોદ વૈષ્ણવ સમાજ દ્વારા વસંતપંચમીથી હોળી સુધીના આ સમયગાળામાં વ્રજ સંસ્કૃતિનો એક પ્રકાર ગણાતા રસિયાનું અવારનવાર આયોજન થતું હોય છે ત્યારે જાહેર રસિયાના આ કાર્યક્રમમાં જયરાજ શાહ સહિતના સમસ્ત વૃંદ દ્વારા ડફ, સારંગી, તબલા, ઢોલક અને મંજીરાના તાલે રસિયાનું રસપાન કરાવ્યું હતું.
“આજ બિરજમેં હોરી રે રસિયા, હોરી રે રસીયા, બરજોરી રે રસિયા” જેવા રસિયાગીતો રેલાતા ઉપસ્થિત લોકો તરબતર થઈ ડોલી ઉઠ્યાં હતા. અને સહુએ પુષ્પવૃષ્ટિથી લઈ આ ટાણે પ્રસાદીમાં અપાતા મકાઈ ધાણીના ફગવાના સથવારે રસિયાના તાલે નૃત્ય સાથે મોડી રાત લગી આનો આનંદ ઉઠાવ્યો હતો.
ફગવાનો ધાર્મિક રિવાજ, શારીરિક દ્રષ્ટિએ પણ ફાયદેમંદ છે
આ સમયગાળામાં સંપન્ન થઈ ચુકેલી શિયાળાની ઋતુમાં સ્વાભાવિક રીતે લોકોમાં શરદી-ખાંસી- કફ કે તાવને લગતા દર્દો વકરેલા હોય છે. આવા સમયે શારીરિક દ્રષ્ટિએ ખુબ હિતકારી ગણાતી સ્વાસ્થ્યવર્ધક ખાણીપીણી અંતર્ગત ગળાનો કફ દુર કરી દેતી મકાઈ ધાણીની સાથે સ્વાસ્થ્યવર્ધક એવા ખજૂર, ચણાના દાળીયા, કોપરું, મગફળીની શીંગ વગેરે ઉમેરીને તેમાં હળદર સહિતના મસાલા ઉમેરીને ‘ફગવા’ બનાવાય છે, જે ટેસ્ટફૂલ હોવાની સાથે સ્વાસ્થ્ય કાજે ખુબ ઉપયોગી નિવડે છે. રસિયાના સમયે અમે ફગવાના સેંકડો પેકેટ તૈયાર કરી રસિયા ટાણે લોકોને પ્રસાદી તરીકે આપ્યા હતા.-પીના વિમલ શેઠ, હવેલી ગ્રુપ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.