ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો હવે મુસાફરી દરમિયાન પણ નવું આધારકાર્ડ બનાવી શકશે અથવા તેમાં સુધારો પણ કરાવી શકશે. ભારતીય રેલવેમાં દેશના ડિજિટલ ઇન્ડિયા મૂવમેન્ટના ભાગરૂપે હવે આ શક્ય બનશે. તેમાં રેલવે સ્ટેશનો ઉપર આધારકાર્ડથી જોડાયેલી સેવાઓ મુસાફરો મેળવી શકશે.
રેલવેના વાણિજ્ય વિભાગે આર્ડધારકા કાઉન્ટર ખોલવાની તૈયારી શરૂ કરી
પ્રથમ ચરણમાં પશ્ચિમ રેલવેનાં 6 મંડળનાં 20 સ્ટેશનોની પસંદગી કરવામાં આવી છે. તેમાં ગુજરાત રાજ્યનાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને ભાવનગર સહિત 10 રેલવે સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. મુંબઇ હેડક્વાર્ટરના નિર્દેશ બાદ રેલવેના વાણિજ્ય વિભાગે આર્ડધારકા કાઉન્ટર ખોલવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(યુઆઇડીએઆઇ) સાથે મળીને આ કાઉન્ટર રેલવે સ્ટેશનના સરક્યુલેટિંગ વિસ્તાર કે રિઝર્વેશન સેન્ટરમાં ખોલવામાં આવશે. મુસાફરો સાથે સ્ટેશને આવનાર અન્ય લોકો પણ લાભ લઇ શકે તે માટે જગ્યાની પસંદગી માટે રેલવે દ્વારા સરવે કરવામાં આવી રહ્યો છે.
પહેલું સેન્ટર ગુવાહાટીમાં ખૂલ્યું હતું
પાઈલટ પ્રોજેક્ટના ભાગ રૂપે રેલવેએ દેશમાં પહેલું આધારકાર્ડ સેન્ટર ગુવાહાટીમાં ખોલ્યું હતું. તેની સફળતા બાદ રેલવે આખા દેશમાં ધીમે-ધીમે આ સુવિધાનું વિસ્તાર કરી રહ્યું છે.
નવા આધારકાર્ડ કે અપડેટનું કામ વિનામૂલ્યે થઈ શકશે
આ પ્રોજેક્ટની ખાસ વાત એ છે કે રેલવે સ્ટેશને શરૂ થનારાં કાઉન્ટર ઉપર નવા આધારકાર્ડ અને આધાર અપડેટનું કામ સંપૂર્ણ નિ:શુલ્ક કરવામાં આવશે. મોબાઇલ નંબર અપડેટ અને ઘરનું સરનામું બદલવા માટે હળવી રકમ વસૂલ કરાશે, જેને સર્વત્ર આવકાર મળ્યો છે.
રેલવે સ્ટાફ જ આધાર કાર્ડ ઇસ્યુ કરશે
રેલવે સ્ટેશનો ઉપર શરૂ થનાર આ આધાર કાઉન્ટરનું સંચાલન રેલવે કર્મચારીઓ દ્વારા જ કરવામાં આવશે. તે માટે યુઆઇડીએઆઇ રેલવે કર્મચારીઓને ટ્રેનિંગ આપશે. જગ્યા પસંદગી બાદ કર્મચારીઓને ટ્રેનિંગ માટે મોકલવામાં આવશે. રતલામ મંડળનાં ત્રણ સ્ટેશનો ઉપર સંભવત: મે માસથી કાઉન્ટર શરૂ કરી દેવાશે.
કયાં-કયાં મંડળ સ્ટેશને કાઉન્ટરો ખોલાશે
અમદાવાદ: અમદાવાદ, પાલનપુર જંક્શન, ગાંધીધામ રાજકોટ: રાજકોટ, સુરેન્દ્રનગર વડોદરા: વડોદરા, ભરૂચ, આણંદ જંક્શન ભાવનગર: ભાવનગર રતલામ: રતલામ, ઇન્દોર, ઉજ્જૈન મુંબઇ: સુરત, ચર્ચગેટ, દાદર, અંધેરી, બોરીવલી, વસઇ રોડ, નાલા સોપારા, વિરાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.