ધરપકડ:દાહોદમાં માઉઝર પિસ્ટલ સાથે એક યુવક ઝડપાયો

દાહોદએક દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભાભરાના યુવક પાસેથી 30 હજારમાં ખરીદી
  • પિસ્તલ અને મોબાઇલ કબજે લેવાયા

દાહોદ શહેરમાં એમ.જી રોડ ખાતેથી કસ્બા વિસ્તારના એક યુવક પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ મળી આવી હતી. ભાભરાના યુવક પાસેથી તેણે આ પીસ્ટલ 30 હજારમાં ખરીદી હોવાનું સામે આવ્યુ હતું. દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે બંને યુવકો સામે આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દાહોદ શહેરના કસ્બા વિસ્તાર તરફથી રાખોડી રંગનું ટીશર્ટ પહેરીને આવતાં યુવક પાસે માઉઝર છે અને તે જનતાચોક થઇ ગોધરા રોડ જવાનો હોવાની બાતમી પોલીસને મળી હતી. જેથી પોલીસે વોચ ગોઠવીને એમજી રોડ વિસ્તારમાં જ પોલીસ ચોકી નં. 1 આગળ તેને પકડ્યો હતો. તલાશી દરમિયાન તેની પાસેથી કમરમાં ખોસેલી દેશી હાથ બનાવટની માઉઝર પીસ્ટલ મળી આવી હતી. કસ્બા વિસ્તારના અલમદાર ચોકમાં રહેતાં યુવકે પોતાનું નામ સાબિરઅલી જબ્બારઅલી મકરાણી હોવાનું જણાવ્યુ હતું.

પુછપરછ કરતાં સાબિરે પોલીસને માહિતી આપી હતી કે, એક-બે માસ પહેલાં મધ્યપ્રદેશના ભાભરા ખાતે રહેતાં કામીલભાઇ શેખ નામક યુવક પાસેથી આ પીસ્ટલ 30 હજારમાં ખરીદી હતી અને તે દાહોદમાં ગરબાડા ચોકડી ખાતે આવીને પીસ્ટલ આપી ગયો હતો. પોલીસે સાબિર પાસેથી એક મોબાઇલ પણ કબજે લીધો હતો. 25 હજારની પીસ્ટલ અને 5 હજારનો મોબાઇલ મળીને પોલીસે તેની પાસેથી 30 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાબિર અને કામીલ સામે આર્મસ એક્ટ મુજબ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...