દુર્ઘટના:પોલીસે લાકડી મારતાં બચવા ભાગેલો યુવક કૂવામાં પડતાં મોત

દાહોદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે મૃતદેહ કૂવામાંથી કાઢવાનો ઇન્કાર કર્યો : પીએસઆઇએ કાર્યવાહીની બાંહેધરી આપતાં મૃતદેહ કઢાયો
  • પત્નીએ​​​​​​​ અરજી કરતાં રાત્રે જુનીબેડીના બે પો.જવાને જઇ દંડાવાળી કરી હતી

જુનીબેડીમાં અરજીના આધારે રાતે યુવકને પકડવા માટે ગયેલા બે પોલીસ કર્મીએ દંડાવાળી કરતાં બચવા ભાગેલો યુવક કૂવામાં પડ્યો હતો. આ યુવકનું ડુબવાથી મોત થયું હતું. જુનીબેડીના વનરાજ નાયકની પત્ની સુમિત્રા બીમારીના બહાને પિયર બેડા જતી રહેતી હતી. સુમિત્રાએ વનરાજ સામે સાગટાળા પોલીસ મથકે અરજી આપી હતી. આ મામલે બંને ગામની પંચ ભેગી કરાઇ પણ તેમાં રકમ બાબતનો કોઇ નીકાલ આવ્યો ન હતો. છતાં આપવાની ચાંદીની 250 ગ્રામની સાંકળી અને 250 ગ્રામના છડા આપવાનો 15 દિવસનો વાયદો કર્યો હતો.

14મીની સાંજે સાગટાળાા બે પોલીસ કર્મીઓ બાઇક કોતર પાસે મુકીને વનરાજના ઘરે ગયા હતાં. તમે લોકો તમારી અરજીનો નીકાલ કેમ નથી કરતાં, તુ અત્યારે અમારી સાથે ચાલ કહી પકડીને ઘરની બહાર કાઢતી વખતે બે ત્રણ લાકડીઓ પણ ઝીંકી હતી. વનરાજ તેમના હાથમાંથી છટકીને ભાગવા જતાં ઘરથી 300 મીટર દુર આવેલા કુવામાં પડી જતાં તેનું ડુબી જતાં મોત થયુ હતું. ઘટનાની જાણ થતાં વડોદરા સ્વાધ્યાય પરિવાર ટ્રસ્ટની ઓફિસમાં પટાવાળાનું કામ કરતાં પિતા ભરતભાઇ જુનીબેડી ધસી આવ્યા હતાં. પોતાની માતા અને છોકરી વર્ષાની પુછપરછમાં ઘટના જાણવા મળી હતી.

દેવગઢ બારિયા પોલીસ પણ ધસી આવતાં લાશ કાઢવાનો ઇન્કાર કરાયો હતો પરંતુ પીએસઆઇએ કાર્યવાહીની બાંહેધરી આપતાં લાશ કાઢી પીએમ માટે મોકલાઇ હતી. ભરતભાઇની ફરિયાદના આધારે દેવગઢ બારિયા પોલીસે હાલ અકસ્માતે મોત અન્વયે ગુનો દાખલ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...