દાહોદ તાલુકાની એક 21 વર્ષીય યુવતીને એક યુવક બળજબરીપૂર્વક અપહરણ કરી વડોદરા લઈ ગયો હતો. જ્યાં યુવતીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજારી તેમજ યુવકના પરિવારજનો દ્વારા મહિલા સહિત ત્રણ જણાએ યુવતીને લાકડી વડે તેમજ પાઈપ વડે અને ગડદાપાટ્ટુનો માર માર્યો હતો. છેવટે યુવતીએ તેમની ચુંગાલમાંથી છૂટી પોતાના ઘરે આવી પરિવારજનોને પોતાની ઉપર થયેલા અત્યાચારની આપવીતી સંભળાવતાં પરિવારજનો યુવતીને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે પહોંચ્યા હતા. જ્યાં યુવક સહિત તેના પરિવારજનો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા. 29મી એપ્રિલના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક 21 વર્ષીય યુવતીને દાહોદ તાલુકાના ટીમરડા ગામે રહેતો પંકજ અજુભાઈ ભાભોર બળજબરીપુર્વક અપહરણ કરી લઈ વડોદરાના ગોરવા મુકામે લઈ ગયો હતો. ત્યાં એક મકાનમાં યુવતીને ગોંધી રાખી તેણીની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. ઉપરાંત પંકજના પરિવારજનોમાંથી અજુ તેરસીંગભાઈ ભાભોર, શકરી અજુભાઈ ભાભોર અને મનિષા પંકજ ભાભોરે યુવતીને લાકડી વડે, પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી.
યુવતીએ ઉપરોક્ત યુવક સહિત તેના પરિવારજનોના ચુંગાલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી પોતાની ઉપર થયેલા અત્યારની આપવીતી પરિવારજનોને સંભળાવતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. જેથી યુવતીને લઈ પરિવારજનો દાહોદ તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા. જ્યાં યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.