અકસ્માતોની વણઝાર:ગરબાડાના વડવામાં પૂરઝડપે દોડતી બાઈક પરથી મહિલા ફંગોળાઈ, બાવકા ગામે બાઈક સ્લીપ થતાં ચાલક મોતને ભેટ્યો

દાહોદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરબાડા તાલુકામાં માર્ગ અકસ્માતની બે ઘટનાઓમાં મહિલા સહિત બે લોકોનાં મોત

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં બે જુદી જુદી જગ્યાએ વાહન ચાલકોની ગફલતના કારણે અકસ્માત થયા હતા. બે બનાવોમાં બે વ્યક્તિના મોત નીપજ્યાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અકસ્માતની ઘટનાઓ બાદ લાગતાં વળગતાં પોલીસ મથકે ફરિયાદો નોંધાવાઈ છે.

માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના વડવા ગામે બનવા પામ્યો હતો. જેમાં વડવા ગામે રહેતાં ભરતભાઈ પ્રેમલાભાઈ બારીયા પોતાની મોટરસાઈકલ પર મધુબેન ચંદુભાઈ પરમારને બેસાડી વડવા ગામેથી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતા. મોટરસાઈકલની વધુ પડતી ઝડપના કારણે પાછળ બેઠેલ મધુબેન મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટકાતાં તેમને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે દાહોદ તાલુકાના વરમખેડા ગામે માળી ફળિયામાં રહેતાં કનુભાઈ ચંદુભાઈ પરમારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માર્ગ અકસ્માતનો બીજો બનાવ ગરબાડા તાલુકાના બાવકા ગામે બનવા પામ્યો હતો. જેમાં બાવકા ગામે રહેતાં કનુભાઈ લાલચંદભાઈ પરમાર પોતાની મોટરસાઈકલ લઈ બાવકા ગામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી પસાર થઈ રહ્યા હતાં. મોટરસાઈકલની વધુ પડતી ઝડપને કારણે મોટરસાઈકલ સ્લીપ ખાઈ જતાં કનુભાઈ મોટરસાઈકલ પરથી જમીન પર ફંગોળાયા હતાં. જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

સારવાર દરમિયાન કનુભાઈનું મોત નીપજતાં આ સંબંધે ગરબાડા તાલુકાના બાવકા ગામે વડઘાટી લીમડીની બારી ફરિયામાં રહેતાં રમેશભાઈ લાલચંદભાઈ પરમારે જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...