દાહોદ શહેરમાં પતંગના દોરાથી અકસ્માત ન સર્જાય તે માટે શહેરમાં ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરનારાની તપાસ હાથ ધરવામા આવી હતી.જેમાં એક મહિલા અને યુવકની અટકાયત કરી છે.
ચાઈનીઝ દોરીથી થતાં અકસ્માતો રોકવા તંત્ર સક્રિય
ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા દાહોદ શહેર જિલ્લાવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. ત્યારે ખાસ કરીને ચાઈનીઝ દોરીથી ઉત્તરાયણ પર્વમાં ઘણા અકસ્માતો સર્જાતા રહે છે. ભુતકાળમાં આવા ચાઈનીઝ દોરીથી ઘણા લોકોના ગળા, હાથ, પગે વિગેરે શરીરે ઈજાઓ પહોંચવા પામી હતી. ત્યારે આવા ગેરકાયદેસર ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં વેપારીઓ સામે પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
રહેણાંક વિસ્તારોમાં ચાઈનીઝ દોરીનુ વેચાણ ઝડપાયુ
દાહોદ શહેરમાં આવા જ ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાની દાહોદ એ. ડિવિઝન પોલીસને માહિતી મળી હતી.તેના અનુસંધાને પોલીસે દાહોદ શહેરના કસ્બા પીંજારવાડા તથા દાહોદ શહેરના ગોધરા રોડ સાંસીવાડ વિસ્તારમાં ઓચિંતો છાપો માર્યો હતો.જેમાં ગેરકાયદે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતાં જાવેદભાઈ મજીદભાઈ પીંજારા (રહે. દાહોદ, કસ્બા, પીંજારવાડા, તા.જિ.દાહોદ) અને જાેશનાબેન અરૂણભાઈ સીસોદીયા (રહે. દાહોદ, ગોધરા રોડ, સાંસીવાડ, તા.જિ.દાહોદ)ની પોલીસે ગેરકાયદેસર ચાઈનીઝ દોરી વેચતા અટકાયત કરી દાહોદ એ. ડિવિઝન પોલીસે ઉપરોક્ત બંન્ને વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાનની આસપાસ કે ઘરોમા ચાઈનીઝ ફિરકા છુપાવવાની મોડસ ઓપરેન્ડી
બીજી તરફ દાહોદ નગર પાલિકાની ટીમે પણ પાલિકા પ્રમુખ રીના પંચાલની સુચના પ્રમાણે દાહોદ શહેરમા પતંગ દોરીનુ વેચાણ કરતા વેપારીઑની દુકાને તપાસ શરુ કરી છે.ટીમ દ્વારા દુકાને દુકાને ફરીને ચકાસણી કરવામા આવી રહી છે.ત્યારે આવા વેપારીઓ દુકાનની આસપાસ અથવા રહેણાંક મકાનોમા ચાઈનીઝ દોરીના ફિરકા છુપાવીને રાખે છે.જેથી તેવા ઠેકાણાઓ પર પણ તપાસ કરવી જરુરી છે.કારણ કે પોલીસે ઝડપેલા બંન્ને કિસ્સાઓ રહેણાંક વિસ્તારોના જ છે.આમ હાલ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામા આવી છે તે આવકાર્ય છે પરંતુ જવાબદારો આરંભે શૂરા સાબિત ન થાય તે પણ એટલુ જ જરુરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.