અબોલ જીવને ઉગારી લેવાયો:ધાનપુરના મોઢવામાં ફરતા પશુ દવાખાનાની ટીમે પાડાનું તાત્કાલિક ઓપરેશન કરી જીવ બચાવ્યો

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેશાબની નળીમા ગાંઠ હોવાથી ઓપરેશન જટિલ હોવા છતાંય પશુનો જીવ બચી ગયો

ધાનપુરના મોઢવા ગામમાં પાડાનું તાત્કાલિક ઓપરેશન કરી ફરતા દવાખાનાની સરકારી પશુચિકિત્સકની ટીમે તેનો જીવ બચાવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા દસ ગામ દીઠ એક ફરતા પશુદવાખાનાની યોજના ચાલે છે. જેમાં દાહોદ જિલ્લાના ધાનપુરના નાકટી ગામમાં પશુઓ માટેની એમ્બ્યુલન્સ-ફરતું પશુદવાખાનું મુકવામાં આવ્યું છે. જ્યાંથી આસપાસના દસેક ગામોને આ પશુ દવાખાનાનો લાભ મળે છે. ત્યારે મોઢવા ગામના પશુપાલક લક્ષ્મણભાઇ પટેલે પોતાના બે મહિનાના પાડાને પેશાબમાં તકલીફ હોવા બાબતની જાણ પશુદવાખાનાને કરતા તુરત પશુદવાખાનાની ટીમ અહીં પહોંચી હતી.

પશુચિકિત્સક ડો. વિષ્ણુ રાય દ્વારા પાડાની તપાસ કરતા પેશાબ નળીમાં મોટી ગાંઠ હોવાનું નિદાન થયું હતું. પાડાનો જીવ બચાવવા માટે તાત્કાલિક ઓપરેશન કરવાની જરૂર હતી. આ ઓપરેશન ઘણું મુશ્કેલ હતું.

પશુદવાખાનાના પશુચિકિત્સક દ્વારા અને સાથેના ચિકિત્સક સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાડાનું ઓપરેશન કરાયું હતું. તાત્કાલિક ઓપરેશન દ્વારા ગંભીર સ્થિતિમાંથી બહાર આવી જતા પાડાનો જીવ બચાવી શકાયો હતો. લક્ષ્મણભાઇએ પશુચિકિત્સક ટીમને તાત્કાલિક સફળતાપૂર્વકની સારવાર માટે ખૂબ ધન્યવાદ પાઠવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...