ખાદ્યતેલની લૂંટ:દાહોદ પાસે ખાદ્યતેલ ભરેલુ ટેન્કર પલટી ખાતા સ્થાનિકો લોકો તેલ ભરવા જે હાથમાં આવ્યુ તે લઇને દોડ્યા

દાહોદએક મહિનો પહેલા
તેલ ભરવા લોકોએ પડાપડી કરી
  • બ્રેક ફેઈલ થતાં ટેન્કર પલટી મારી પુલની નીચે ખાબકી ગયું હતું
  • પોલીસે ઘટના સ્થળે પહોંચીને સ્થિતીને કાબુમાં લીધી

દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક ખાદ્યતેલ ભરેલુ ટેન્કર અચાનક પલટી ખાઈ જતાં ટેન્કર નજીકમાં આવેલા પુલ નીચે ખાબકી પડ્યું હતું. ખાદ્યતેલ ભરેલુ ટેન્કર પલટી ખાતાની સાથે જ આ બનાવની જાણ વિસ્તારના સ્થાનિક રહીશોને થતાં આસપાસના લોકો હાથમાં વાસણો, પ્લાસ્ટીકના કેરબા લઈ ખાદ્ય તેલ ભરવા દોડી ગયાં હતાં. ખાદ્યતેલની લૂંટ ચલાવવા માટે આસપાસના લોકોમાં દોડાદોડીના દ્રશ્યો પણ સર્જાયાં હતાં. સદ્‌નસીબે દોડાદોડીના લીધે કોઈ પ્રકારની જાનહાનિ થવા પામી ન હતી.

ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ધીમે ધીમે અકસ્માત ઝોન બની રહ્યો છે, ત્યારે આજરોજ વહેલી સવારે દાહોદ તાલુકાના કાળી તળાઈ નજીક આવેલી હોટલ સતી તોરલ પાસે આવેલા પુલ પર ગાંધીધામથી નાગપુર તરફ જઇ રહેલા ખાદ્યતેલ ભરેલા ટેન્કરની બ્રેક ફેઈલ થતાં તે પલટી મારી પુલની નીચે ખાબકી ગયું હતું. જેના કારણે ટેન્કરમાં ભરેલું ખાદ્યતેલ જમીન પર ઢોળાઈ જતાં આસપાસના ગામના લોકો વાસણો લઈ જમીન પર ઢોળાયેલું તેલ લેવા ઉમટી પડ્યાં હતાં.

આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહાનિ થવા પામી નહોતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને જાણ થતાં પોલીસ કાફલાએ તાબડતોડ ઘટના સ્થળ પર પહોંચી જઈને સ્થિતીને કાબુમાં લીધી હતી. જેઓ ખાદ્યતેલની લૂંટ ચલાવવા દોડાદોડી કરી રહ્યાં હતાં, તેવા લોકો પોલીસને જોઈને જે હાથમાં આવ્યું તે લઈને ભાગતાં પણ જોવા મળ્યાં હતાં. આ સમગ્ર મામલે પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...