શિક્ષા અભિયાન:દાહોદ જિલ્લામાં શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય એ માટે વિશેષ અભિયાન યોજાશે

દાહોદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અભ્યાસ છોડી દીધો હોય કે કદી શાળાએ ન ગયા હોય તેમને શિક્ષણના પ્રવાહમાં જોડાશે

દાહોદ જિલ્લામાં શિક્ષણથી બાળકો વંચિત ન રહી જાય એ માટે વિશેષ અભિયાન યોજાશે. આ અભિયાન વિશે જણાવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખે જણાવ્યું કે, સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ જિલ્લામાં 9 તાલુકામાં શિક્ષણથી વંચિત રહી ગયેલા બાળકો માટે સર્વે હાથ ધરવામાં આવશે. કદી શાળામાં ન ગયેલા તેમજ કોઇ કારણસર અભ્યાસ છોડી દીધેલા બાળકોને શોધી તેમના વાલીને સમજાવી શિક્ષણના પ્રવાહ સાથે જોડવાનો પ્રયાસ કરાશે. આ અભિયાનને સફળ બનાવવા નાગરિકો પણ સહકાર આપે.

સમગ્ર શિક્ષા અંતર્ગત ગુજરાત શાળા શિક્ષણ પરિષદ, સ્ટેટ પ્રોજેક્ટ કચેરીના માર્ગદર્શન હેઠળ શાળા બહારના બાળકો માટે દાહોદ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2022-23 ના વર્ષ માટે જાન્યુઆરીથી વિશેષ સર્વે અભિયાન યોજવામાં આવશે. દાહોદ જિલ્લા સમગ્ર શિક્ષા વિભાગ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના માર્ગદર્શન હેઠળ 9 તાલુકામાં બીઆરસી ભવનથી કલસ્ટર કક્ષાએ તેમજ શાળા વિસ્તારમાં શિક્ષકો તેમજ એસએમસી સભ્યો, આંગણવાડી કાર્યકર, સખી મંડળની બહેનો તેમજ શિક્ષણ સહાયકો દ્વારા આ સર્વેની કામગીરી કરવામાં આવશે.

જેમાં રાઇટ ટુ એજ્યુકેશન, એક્ટ 2009ની જોગવાઇ અનુસાર 6થી 14 વર્ષની વયજૂથના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનો અધિકાર છે. જે બાળકો કદી શાળાએ ગયા નથી અથવા અધવચ્ચેથી શાળા છોડી દીધી છે. તેવા તમામ બાળકોને નજીકની શાળામાં વયકક્ષા મુજબ શિક્ષણ મળી રહે તેવું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આવા તમામ બાળકો માટે 9તાલુકામાં સર્વે હાથ ધરવામાં આવશે.

તેઓએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે, આપના ફળિયા આસપાસના વિસ્તારમાં કે અન્ય વિસ્તારમાંથી શાળાએ ન જતા તેમજ અધવચ્ચે અભ્યાસ છોડી દેનારા બાળકો વિશે જાણ થાય તો નજીકની પ્રાથમિક શાળા કે કલસ્ટર, તાલુકાના બીઆરસી ભવન અને જિલ્લા કક્ષાનો ટોલ ફ્રી નંબર 1800-233-3152 ઉપર જાણ કરી શકાશે. શિક્ષણનાં ભગીરથ કાર્યમાં સહભાગી બની છ થી અઢાર વયજુથનું કોઇ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સૌ નાગરિકો સહકાર આપે.

અન્ય સમાચારો પણ છે...