મતદાનની પ્રક્રિયામાં વધુમાં વધુ યુવાઓ ભાગીદાર બને તે હેતુથી ભારતના ચૂંટણી પંચે 17, જૂન, 2022ના રોજ નિયમમાં ફેરફાર કરીને લાયકાતમાં સુધારો કર્યો હતો. હવે 1 જાન્યુઆરી ઉપરાંત 1 એપ્રિલ, 1 જુલાઇ, અને 1 ઓક્ટોબરે 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તે યુવાનો આ ચૂંટણીમાં મતદાન કરી શકશે તેવો નિયમ લવાયો છે.
પાંચ જિલ્લામાં સૌથી વધુ યુવા મતદાર ઉમેરાયા
ત્યારે દાહોદ જિલ્લામાં સુધારણાના અંતિમ કાર્યક્રમ તા.1-1-2022થી 1-10-2022 સુધીમાં 18 વર્ષના થયા હોય તેવા મતદારોનો પણ ઉમેરો થયો હતો. રાજ્યમાં બીજા તબ્બકામાં 93 બેઠકો ઉપર યોજાનારી ચૂંટણીમાં પાંચ જિલ્લામાં સૌથી વધુ યુવા મતદાર ઉમેરાયા છે તેમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે.
પ્રથમ વખત મતદાન કરનારા યુવાઓની અપેક્ષા
દાહોદ જિલ્લામાં પ્રથમ વખત મતદાન કરનારા છે તેવા 45,277 યુવા મતદારોનો વધારો થયો છે. જોકે પ્રથમ વખત મતદાન કરનારા યુવાઓની અપેક્ષા પણ મોંઘવારી ઘટાડવા સાથે શૈક્ષણિક ફિ પર અંકુશની માગ કરી રહ્યાં છે.
અભ્યાસ માટેની ફી ઉપર અંકુશ જરૂરી
આમ તો મમ્મી અને પપ્પા સાથે જઇને મતદાન મથક ઘણી વખત બહારથી જોયુ છે. પરંતુ મત નાખવાનો અવસર પહેલી વખત મળશે.અભ્યાસ માટેની ફી ઉપર અંકુશ હોવો જોઇયે. દરેક યુવા વર્ગે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઇયે. હું હાલમાં તો અભ્યાસ અર્થે સુરત છુ. પરંતુ ચુંટણીના દિવસે ખાસ મતદાન કરવા માટે દાહોદ આવીશ.>ટેન્સી ત્રિવેદી, દાહોદ
યુવાનોનો અવાજ ઉઠાવી શકે તેવો ઉમેદવાર
પહેલી વખત મતદાન કરીશું. અમારે ચુંટણી કાર્ડ પણ આવી ગયું છે. શિક્ષણની સુવિધા માટે અને રોજગારીની તકો માટે જે સારી રીતે વિધાનસભામાં જઈને યુવાનોનો અવાજ ઉઠાવી શકે એવા ઉમેદવારને વીજેતા બનાવવો જોઇયે.>ઝીલ મીનામા,ગરબાડા
સક્ષમ લાગે તેવા ઉમેદવારને જ મત આપવો જોઇઅે
કોઇ પણ યુવાને ગેરમાર્ગે ન દોરાઇને તેને સક્ષમ લાગતો હોય તે ઉમેદવારને જ મત આપવો જોઇયે. પહેલી વખત મતદાન કરવાનું હોવાથી સ્વાભાવિક ઉત્સાહ છે. મતદાન કઇ રીતે કરવાનું તેની ક્લિપો પણ જોઇ છે. - દિશાંક જૈન,દાહોદ
ગ્રામ્યની સમસ્યા રજૂ કરે તેને પસંદ કરીશું
વિધાન સભાની ચુંટણીમાં પહેલી વખત મતદાન કરીશ. ગ્રામ્ય વિસ્તારની ભૌતિક સુવિધાઓ માટે અને લોકહિતના કાર્યોને વિધાનસભામાં સારી રીતે રજૂઆત કરે એવા ઉમેદવાર આવવા જોઇયે.> દિવ્યાંગકુમાર ચાવડા,ગરબાડા
રોજગારીની તકો ઉભી થવી જોઇઅે
2022ની વિધાનસભાની ચૂંટણીમાં મારી ઉંમર 18 વર્ષની પૂર્ણ થતા હું પ્રથમ વખત મતદાન કરવાનો છું. આવનારી સરકાર પાસે અમારી એક જ આશા છે કે બેરોજગારોને રોજગારી તકો ઊભી કરવી જોઈએ અને ભણેલાઓને તેમની સમકક્ષનો નોકરી મળે તેવી પણ સુવિધાઓ હોવી જોઈએ. વધતી જતી મોંઘવારી ઉપર અંકુશ પણ લાગવો જોઈએ.>અંસાર પટેલ, સંજેલી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.