તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • A Number Of Covid Centers Were Found To Be Locked, Some Were Found Hanging Above, Some Of The Attendance Registers For The Patient Were Also Empty.

ભાસ્કર રિયાલિટી ચેક:સંખ્યાબંધ કોવિડ સેન્ટરો સૂના, કેટલાય ઉપર તાળાં ઝુલતાં મળ્યાં, તો ક્યાંક ફક્ત કર્મચારીઓની જ હાજરી દર્દી માટેના રજિસ્ટર્સ પણ કોરાં

દાહોદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
દાહોદ શહેરના છાત્રાલયમાં શરૂ થયેલું સેન્ટર આરંભ થયું ત્યારથી જ ખાલી - Divya Bhaskar
દાહોદ શહેરના છાત્રાલયમાં શરૂ થયેલું સેન્ટર આરંભ થયું ત્યારથી જ ખાલી
  • દાહોદના 699 ગામોમાં 732 વિલેજ કોવિડ સેન્ટરમાં 14581 બેડની સુવિધા, છતાં વપરાયા વિનાના
  • ગામડાઓમાં કોરોનાને અટકાવવા એકબાજુ ‘મારું ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાન શરૂ કરાયું છે, ત્યારે દાહોદ જિલ્લામાં વાસ્તવિકતા કંઇક જુદી જ છે
  • દાહોદ તા.ના 90, ઝાલોદના 115, ફતેપુરાના 87, લીમખેડાના 83, દેવગઢ બારિયાના 87, ગરબાડાના 41 મળી 699 ગામોમાં કોવિડ સેન્ટર ઉપલબ્ધ

જિલ્લામાં ગામડાઓમાં કોરોના સંક્રમણને ફેલાતું અટકાવવા ‘મારું ગામ, કોરોનામુક્ત ગામ’ અભિયાનની શરૂઆત કરાઇ છે. મુખ્યમંત્રીના આદેશ બાદ યુદ્ધના ધોરણે જિ.ના દાહોદ તાલુકામાં 90, ઝાલોદમાં 115, ફતેપુરામાં 87, સિંગવડમાં 86, લીમખેડામાં 83, દેવગઢ બારીઆમાં 87, ધાનપુરમાં 89, ગરબાડામાં 41, સંજેલીમાં 54 મળી કુલ 699 ગામોમાં 732 જેટલા વિલેજ કોવિડ કેર સેન્ટર શરૂ કરી ત્યાં 14581 બેડની વ્યવસ્થા કરાઇ હતી. ભાસ્કરે મંગળવારે આ રિયાલિટી ચેક કરતાં સંખ્યાબંધ સેન્ટરો ઉપર તાળાં જોવા મળ્યા હતાં. ક્યાંક માત્ર સ્ટાફ જ હતો. પરંતુ માઇલ્ડ લક્ષણ ધરાવતો એક પણ દર્દી જોવા મળ્યો ન હતો.

અત્યાર સુધી 857 શંકાસ્પદ વ્યક્તિઓ જેમને સામાન્ય લક્ષણો હતા તેમણે આ સેન્ટરનો લાભ લીધાનો દાવો કરાઇ રહ્યો છે પરંતુ મંગળવારે મહત્તમ સેન્ટરો સુના જોવા મળ્યા હતાં. અહીંના કોવિડ સેન્ટરમાં દર્દીને રાખ્યાની નોંધ તો હોય છે પરંતુ દર્દી ત્યાં રહેતાં જ ન હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યાં એક કે બે દર્દી હોય તેવા જ સેન્ટરો ઉપર અધિકારીઓને લઇ જવાતા હોવાની પણ માહિતી મળી છે..

આજ સુધી ખાલી : દાહોદ શહેરના છાત્રાલયમાં શરૂ થયેલું સેન્ટર આરંભ થયું ત્યારથી જ ખાલી
દાહોદ શહેરના સરકારી કુમાર છાત્રાલયમાં બનાવાયેલુ કોવિડ કેર સેન્ટર આરંભથી અત્યાર સુધી ખાલી જોવા મળ્યું હતું. અહીંના સંચાલકે જણાવ્યું હતું કે અહીં અત્યારસુધી એક જ વ્યક્તિ આવી છે. તેને પણ ડાયાબિટીક હોવાથી અન્ય સ્થળે ખસેડવી પડી હતી.

દર્દી વિના ખાલી : ગરબાડાના પાંચવાડાના વિલેજ કોવિડ સેન્ટરમાં આશાવર્કર બહેનોની જ હાજરી
ગરબાડા તાલુકાના પાંચવાડા ગામના વિલેજ કોવિડ કેર સેન્ટરમાં માત્ર કર્મચારીઓની જ હાજરી જોવા મળી હતી. અહીંના કોવિડ સેન્ટરમાં એકપણ માઈલ્ડ લક્ષણોવાળી વ્યક્તિ હજુ સુધી આવી હોય તેવું જાણવા મળ્યું નથી.

ઝાંપા બંધ : ઝાલોદ તાલુકાના કદવાલમાં સૌથી વધુ કેસ છતાં અહીંના કોવિડ કેર સેન્ટર ખાલી
ઝાલોદ તાલુકાના કદવાલ ગામની મુખ્ય શાળામાં બનાવેલા કોવિડ કેર સેન્ટરમાં તાળા ઝુલતા જોવા મળ્યા હતાં. ઝાલોદ તાલુકામાં સૌથી વધુ કેસ કદવાલમાં હોવાનું કહેવાય છે. અહીંની શાળામાં આવેલા કોવિડ સેન્ટરમાં તો કોઇ વ્યક્તિ નથી પણ અહીં આવેલું આરોગ્ય સેન્ટર પણ રેઢું જોવા મળ્યું હતું.

હજુ બંધ : શહેર નજીકના રાબડાળની શાળામાં બનેલું કોવિડ સેન્ટર નામ પૂરતું જ બનાવાયું છે
દાહોદ શહેર નજીક રાબડાળ ગામની પ્રાથમિક શાળામાં બનાવેલા કોવિડ કેર સેન્ટર ઉપર તાળા ઝુલતા જોવા મળ્યા હતાં. શહેરની બિલકુલ નજીક બનાવવામાં આવેલા આ કોવિડ સેન્ટરનો કોઈ અર્થ સર્યો ન હતો. તે ફક્ત નામ પૂરતું જ હોવાનું દેખાય છે.

દર્દી જ નહીં : શહેર પાસેના નાની સારસી ગામ સ્થિત સેન્ટરમાં સુવિધા તો ખરી પણ દર્દી જ નહીં
દાહોદ શહેર નજીક નાની સારસી ગામમાં શાળામાં બનાવવામાં આવેલા કોવિડ કેર સેન્ટરમાં રૂમમાં ગાદલા તો પાથરવામાં આવ્યા હતાં પરંતુ અહીં એક પણ કોરોનાનો દર્દી સારવાર લેતો જોવા મળ્યો ન હતો. અહીં કોવિડ કેર સેન્ટર ખોલ્યા બાદ હજુ સુધી કોઈ દર્દીની નોંધણી થઈ નથી કે કોઈએ આનો લાભ લીધો હોવાનું પણ જાણવાં મળ્યું નથી.

માત્ર સ્ટાફ : લીમખેડા તા.ની શાળામાં આવેલા સેન્ટરમાં માત્ર સ્ટાફની જ હાજરી!
લીમખેડા તાલુકાની પ્રાથમિક શાળામાં ચાલતા કોવિડ સેન્ટર ખાતે મંગળવારના રોજ બપોરે 12 વાગ્યે શાળાના આચાર્ય સુરેશભાઇ પ્રજાપતિ તથા આશાવર્કર ભાવનાબેન પંચાલ જ હાજર હતા. કોવિડ સેન્ટરમાં એક પણ દર્દી હાજર જોવા મળ્યો ન હતો. હજુ સુધી કોઇ દર્દી અહીં આવ્યો હોવાની નોંધ નથી.

તાળાબંધી : ધાનપુર તા.ની વિવિધ શાળામાં બનેલા કોવિડ સેન્ટરોના રૂમ બંધ
ધાનપુરની સીમામોઇ પ્રાથમિક શાળામાં બનાવાયેેલા વિલેજ કેરમાં તાળા જોવા મળ્યા. રામપુર શાળામાં પણ તાળા હતાં. વેડ ઉત્તર બુનિયાદી પ્રા.શાળામાં આચાર્ય તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત હતી. પરંતુ કૉવિડ કેર માટેના રૂમને તાળું તેમજ દર્દીઓ કે આરોગ્ય કર્મચારી જ નહીં.

હજુ પણ લૉક : ગરબાડાના વિલેજ કોવિડ સેન્ટર હજુ શોભાના ગાંઠિયારૂપ
ગરબાડાના વિલેજ કોવિડ સેન્ટર ઉપર તાળાં લટકતાં જોવા મળ્યા હતાં. ગરબાડા તાલુકામાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતાં પ્રજામાં ભારે ચિંતા જોવા મળી રહી છે. તેને કારણે વધુ 8 દિવસનું લોકડાઉન આપવું પડ્યું છે ત્યારે કોવિડ કેર સેન્ટર ઉપર લટકતા તાળાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

માત્ર 1 જ દર્દી : ગરબાડાના જેસાવાડામાં આવેલા કોવિડ સેન્ટરમાં માત્ર એક જ દર્દી જોવા મળ્યો
ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં વિલેજ કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જોકે આ સેન્ટરમાં એક પણ કોરોના પોઝિટિવ દર્દી હાજર જોવા મળ્યો હતો. તપાસ દરમિયાન આ કોવિડ સેન્ટરમાં અગાઉ માઈલ્ડ સીમટમ્સ વાળા ચાર દર્દીને રાખવામાં આવ્યા હોવાની જાણકારી મળી હતી. જોકે હાલમાં એક દર્દી સિવાય આખી શાળા ખાલીખમ જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...