સભ્ય સસ્પેન્ડ:બે કરતા વધુ બાળકો હોવાથી દાહોદના સુખસર ગ્રામપંચાયતના સભ્યને સસ્પેન્ડ કરાયો

દાહોદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે કરતા વધુ બાળકોની અરજી તપાસમાં તથ્ય નીકળતા કાર્યવાહી કરાઇ

દાહોદ જિલ્લા ફતેપુરા તાલુકામાં આવેલ ગ્રામ પંચાયત સુખસરના એક સભ્યને બે કરતાં વધુ બાળકો હોવાની અરજી એક અરજદાર દ્વારા તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. આ બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે તપાસનો ધમધમાટ આરંભ કરતાં તપાસમાં સભ્યના બે કરતાં વધુ એટલે કે, ત્રણ બાળકો હોવાનું માલુમ પડતાં આ મામલે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા સભ્યનું સભ્ય પદ રદ કરવાનો હુકમ કરતાં દાહોદ જિલ્લાની ગ્રામ પંચાયત આલમમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

એક અરજદારે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી કરી જણાવ્યું હતું કે, સુખસર ગ્રામ પંચાયતના સભ્ય એવા ઈરફાનભાઈ મહમંદભાઈ મોઢીયા બે કરતાં વધુ બાળકો એટલે કે, ત્રણ બાળકો ધરાવે છે અને તેઓનું સભ્ય પદ રદ કરવા અરજી કરી હતી.

આ અરજીને ધ્યાનમાં લઈ ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં સુખસર ગ્રામ પંચાયતના સભ્ય ઈરફાનભાઈ મહમંદભાઈ મોઢીયાને બે કરતાં વધુ બાળકો એટલે કે, ત્રણ બાળકો હોવાનું તપાસમાં સામે આવ્યુ હતું.

આ મામલે પંચાયત ધારાની કલમ 30ની પેટા - કલમ, (ત)માં જણાવ્યાં પ્રમાણે સરકારના ગુજરાત સ્થાનીક સત્તા મંડળને લગતાં કાયદા (સુધારા) અધિનિયમ - 5 તા. 23/3/2005ના સુધારા પ્રમાણે આરંભની તા.4/8/2004ના એક વર્ષ બાદ ત્રીજા બાળકને જન્મ થયેલો હોય તે ત્રણ બાળકો ગણાય જે નિયમ મુજબ હોદ્દા પરથી ગેરલાયક ઠેરવવા જણાવ્યું છે. આમ, આ હુકમને પગલે ફતેપુરાના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ઉપરોક્ત સભ્યને તેઓનું સભ્યપદ રદ કરવાનો હુકમ કર્યા હતો.

અન્ય સમાચારો પણ છે...