ખુશીના પ્રસંગમાં માતમ છવાયો:દેવગઢ બારિયામાં વણઝારા સમાજના અગ્રણીને રાસ રમતા સમયે હાર્ટ-એટેક આવ્યો, સ્થળ પર જ ઢળી પડ્યા

દાહોદએક મહિનો પહેલા
  • દેવગઢ બારિયામાં રાસની રંગત માણતાં માણતાં વણઝારા સમાજના અગ્રણીનું મોત નીપજ્યું

દાહોદ જિલ્લાના દેવગઢ બારિયાનગરમાં એક શુભ પ્રસંગે ગરબા રમી રહેલા વણઝારા સમાજના અગ્રણીનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. પરિવાર તેમજ સમાજના લોકોમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.

રમેશભાઈ વણઝારા.
રમેશભાઈ વણઝારા.

શુભ પ્રસંગે ઉજવણી ચાલી રહી હતી
ગતરોજ દેવગઢ બારિયાનગરમાં રાત્રિના સમયે વણઝારા સમાજમાં એક શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો હાજર હતા તેમજ આ શુભ પ્રસંગે ગરબાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું .

એકાએક જ ઢસડાઈ પડતાં દોડધામ મચી
વણઝારા સમાજના અગ્રણી એવા રમેશભાઈ જીતાભાઈ વણઝારા અને તેમની સાથે અન્ય એક વ્યક્તિ મળી બંને જણા રાસ રમી રહ્યા હતા. તેવામાં અચાનક રાસ રમતાં રમતાં રમેશભાઈ થાકી ગયા હતા અને ગરબા રમતાં રમતાં બહાર નીકળવા જતાં અચાનક તેઓ બેભાન અવસ્થામાં જમીન પર ઢસડાઈ પડ્યા હતા. એને પગલે પ્રસંગમાં હાજર લોકો દોડી આવ્યા હતા અને રમેશભાઈને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયા હતા, ત્યાં તબીબોએ તેમને મૃત જાહેર કરતાં. હૃદય હુમલાને કારણે તેમનું મોત નીપજ્યાનું સામે આવતાં પરિવારજનોમાં તેમજ સમાજના લોકોમાં શોક છવાઈ ગયો હતો.

આણંદના તારાપુરમાં પણ નવરાત્રિમાં એક યુવકનું મોત થયું હતું
દાહોદના દેવગઢ બારિયા જેવી જ ઘટના નવરાત્રિ દરમિયાન આણંદના તારાપુરમાં બની હતી. આણંદના તારાપુરની શિવશક્તિ સોસાયટીમાં ગરબે ઘૂમતી સમયે વીરેન્દ્રસિંહ રાજપૂત નામના યુવકને હાર્ટ-એટેક આવતાં મોત નીપજ્યું હતું.