ટોક ઓફ ધ ટાઉન:દાહોદમાં ભરબજારે જમીન દલાલની ચાકુના પાંચથી વધારે ઘા ઝીંકી હત્યા

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
તૂટી ગયેલું ચાકુ શરીરમાં ખૂંપેલું રહી ગયું - Divya Bhaskar
તૂટી ગયેલું ચાકુ શરીરમાં ખૂંપેલું રહી ગયું
  • સ્થળ પર લોહીના ખાબોચિયાં ભરાઇ ગયા: હુમલાખોરનું ઝનૂન લોકોના ગળે ઉતરતું નથી, બાઇક ખસેડવા બાબતે ઝઘડો થયાની ચર્ચા
  • હત્યા કરવા સોપારી અપાઇ હોવાની શંકા

દાહોદ શહેરના દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સમી સાંજે ચાકુના પાંચથી વઘુ ઘા મારીને જમીન દલાલની ઘાતકી રીતે હત્યા કરી દેવાતાં આખા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. રસ્તેથી પસાર થતી વખતે બાઇક ખસેડવાની વાતે સામાન્ય બોલાચાલી બાદ આ હુમલો કરાયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે,ભરબજારે અટલી ક્રુરતા અને ઝનુનથી ચાકુના ઘા મારવામાં આવતાં તેમાં હત્યા માટે સોપારી અપાઇ હોવાની પણ એક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

દાહોદના હમીદી મહોલ્લામાં રહેતાં યુનુસભાઇ અકબરભાઇ હામીદી જમીન અને મકાન દલાલીનો ધંધો કરતાં હતાં. યુનુસભાઇ સાંજના 5.30 વાગ્યાના અરસામાં પોતાની બાઇક લઇને જઇ રહ્યા હતાં. ત્યારે દેસાઇવાડ સ્થિત કુકડા ચોકમાં સાંકડા રસ્તે ટ્રાફિક થતાં બાઇક કાઢવાના મુદ્દે સામાન્ય બોલાચાલી થઇ હતી. ત્યારે અજાણ્યા બાઇક સવાર યુવકે તેની પાસેનું ચાકુ કાઢીને યુનુસભાઇની છાતીના ભાગે ઉપરા-છાપરી ઘા મારી દીધા હતાં.

લોહીલુહાણ હાલતમાં રસ્તા ઉપર યુનુસભાઇ ફસડાઇ જતાં હુમલાખોર યુવક બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. ગંભીર ઘટનાની જાણ થતાં ધસી આવેલી પોલીસે તપાસ શરૂ કરી હતી. ધોળા દિવસે ભર બજારમાં યુનુસભાઇની હત્યા અંગે અનેક ચર્ચાઓ સાંભળવા મળી રહી છે. ત્યારે બાઇક પસાર કરવાની સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં અટલી ઝનુનથી કરાયેલો હુમલો પૂર્વયોજિત હોવાની પણ એક આશંકા વ્યક્ત કરાઇ રહી છે અને આ હુમલા માટે સોપારી અપાઇ હોવાની પણ વાતો વહેતી થઇ છે. હત્યા કરનાર યુવક પકડાયા બાદ જ વધુ હકીકત સામે આવે તેમ છે.

ઘાયલને રિક્શામાં નાખી લઇ જવામાં આવ્યાે
યુનુસભાઇને ચાકુના ઘા મારી હુમલાખોર ફરાર થઇ ગયો હતો.ત્યારે આ દ્રષ્ય જોનારાઓને શું કરવું તે સમજાતુ ન હતું.કેટલાંક યુવકોએ હિંમત ભેગી કરીને ચાદર મંગાવી હતી. 108ની રાહ જોવાય તેવી સ્થિતિ ન હોવાથી ઘાયલ યુનુસભાઇને રિક્શામાં નાખી દવાખાને લઇ જવાયા હતાં. જોકે, તેમને મૃત જાહેર કર્યા હતાં.

તૂટી ગયેલું ચાકુ શરીરમાં ખૂંપેલું રહી ગયું
હત્યારાએ યુનુસભાઇને ઉપરા-છાપરી ચાકુના એટલી જોશભેર ઘા માર્યા હતા કે ચાકુ પણ તુટી ગયું હતું. અડધુ તુટેલુ ચાકુ શરીરમાં ખૂંપેલું રહ્યું હતું જ્યારે અડધુ ચાકુ અને તેનું કવર ફેંકીને હત્યારો ફરાર થઇ ગયો હતો.

સીસીટીવીની શોધખોળ
કુકડા ચોકમાં હત્યાની ઘટના બની તે સ્થળે જ સ્માર્ટસિટી અંતર્ગત સીસી ટીવી કેમેરા લાગેલા છે. ત્યારે હત્યારાની ઓળખ કરવા માટે પોલીસે તાત્કાલિક અસરથી સીસી ટીવી ફંફોસવાની કામગીરી શરૂ કરી હતી.

દુકાનો બંધ થઇ ગઇ
કુકડા ચોકમાં ફિલ્મી ઢબે જાહેરમાં ચાકુના ઘા ઝીંકવામાં આવતાં ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકો ડઘાઇ ગયા હતાં. પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી.

અન્ય સમાચારો પણ છે...