કાલોલ શહેરના બોરુ રોડ પર આવેલી ઇનોક્સ કંપનીના એક શેડમાં કોઈ અગમ્યકારણોસર લાગેલી આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પરંતુ આગમાં કોઇ જાનહાની નહીં થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
કાલોલના બોરુ રોડ પર આવેલ ઇનોક્સ ઇન્ડિયા કંપનીમાં યુનિટ ૩ના બેક શેડમાં શનિવારના રોજ વહેલી સવારે અાગ લાગતા એકાએક ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના આ વેસ્ટેજ સ્ટોરમાં થિનર અને કલરના જ્વલનશીલ પ્રવાહીનો વેસ્ટ અને પુઠાં સહિતનો સ્ટોક હોવાથી થોડા સમયમાં અાગે વિકરાળ રૂપ ધારણ કરી લીધુ હતુ. આગને કારણે સવારની પાળીમાં આવતા કામદારોને ગેટ ઉપર જ રોકી રાખ્યા હતા.
તથા અાગની જાણ કાલોલ, હાલોલ તથા ગોધરા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતાં ફાયરના લાશ્કરો દ્વારા પાણીનો મારો ચલાવી અાગને કાબુમાં લેવામાં અાવી હતી. કયા કારણ સર અાગ લાગી તે અંગેનું કારણ જાણી શકાયું ન હતું. જ્યારે કંપની પાસે પોતાનું કોઈ ફાયર ફાઈટર નહીં હોવાની ચર્ચાઓ જાગી હતી. કંપનીમાં એમ્બ્યુલન્સની સેવા પણ નહીં હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.