આગની લાગતાં મોટુ નુકસાન:ગરબાડાના સીમલીયા ગામે કાચા મકાનમાં અચાનક આગ ભભૂકી, ભેંસ સહિત સંપૂર્ણ ઘરવખરી બળીને ખાખ

દાહોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના સીમલીયા ગામે એક ઢાળીયાવાળા કાચા મકાનમાં અકસ્માતે આગ લાગતાં આખુ મકાન આગની લપેટમાં આવી ગયું હતું. જેમાં ઢાળીયામાં બાંધી રાખેલી એક ભેંસ સહિત ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગની જાણ કરતાં ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.

ગત રાતના 11 વાગ્યાની આસપાસ સીમલીયા ગામે મોહનીયા ફળિયામાં રહેતાં મોહનીયા પાનસીંગભાઈ દલસીંગભાઈના કાચા ઢાળીયાવાળા મકાનમાં અકસ્માતે આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આખા મકાનને પોતાની અગન જ્વાળાઓની લપેટોમાં લઈ લીધું હતું. આગ અંગેની જાણ આસપાસના લોકોને થતાં લોકો દોડી આવ્યાં હતાં અને પાણીનો મારો પણ ચલાવ્યો હતો, પરંતુ આગ એટલી વિકરાળ બની ચૂકી હતી કે તેની ઉપર કાબુ મેળવવો મુશ્કેલ બની ગયું હતું.

વિકરાળ આગને પગલે સંપૂર્ણ મકાન બળીને ખાખ થઈ ગયું હતું અને મકાનના ઢાળીયાના ભાગે બાંધી રાખેલી એક ભેંસ પણ બળી જતાં મોતને ભેટી હતી. આગમાં ભેંસ સહિત સંપૂર્ણ ઘરવખરીનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આગ અંગેની જાણ નજીકના ફાયર સ્ટેશને કરાતાં ફાયર ફાઈટરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. તેમણે આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...