બસ ભડકે બળી:દેવગઢ બારિયાના એસ.ટી ડેપોમાં બસમાં આગ લાગી, બસનો આગળનો ભાગ બળીને ખાખ

દાહોદ15 દિવસ પહેલા
  • ડેપોમા ઉભેલી બસમા અચાનક આગ લાગતા દોડધામ મચી
  • ફાયરની ટીમે આગ ઉપર કાબૂ મેળવતા તમામે હાશકારો અનુભવ્યો

દેવગઢ બારિયામાં એસ.ટી ડેપોના વર્ક શોપમાં મુકેલી એક બસમાં અચાનક આગ લાગી ગઈ હતી. જેથી નાસભાગ મચી હતી. આગ લાગતા બસ બળીને ખાખ થઈ ગઈ હતી. દેવગઢબારિયા નગરમાં એસ.ટી.ડેપોના વર્કશોપમાં મૂકેલી એક એસટી બસમાં એકાએક આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. ત્યારે પાલિકાના ફાયર ફાઈટરે આગ ઉપર કાબૂ મેળવતા એસટી તંત્રે હાશકારો અનુભવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ આજે રવિવારે વહેલી સવારે નગરમાં આવેલા એસ.ટી.ડેપોમાં દેવગઢ બારિયાથી સેલવાસ રુટની બસ નંબર જીજે 18 -31 97 ના ચાલકે બસને મેન્ટેનન્સ માટે વર્કશોપમાં મૂકી હતી અને તે પછી બસને વોશિંગ માટે મૂકવામાં આવી હતી. ત્યારપછી બસના ચાલકે બસને ચાલુ કરવા જતા બસનું સટીઅરીંગ ચોટી ગયુ હોય એમ લાગતા બસને ફરી વર્કશોપમાં મૂકી હતી.

આ દરમિયાન બસના આગળ ભાગે ધુમાડો નીકળતા વર્કશોપમાં રહેલા કર્મીઓએ બસમાં જઈને જોતા બસના એન્જિનના ભાગે આગ લાગી ગઈ હતી. જેથી કર્મીઓ દ્વારા આગને કાબૂમાં મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે, આગ વધુ પ્રસરતા ડેપોમાં મુકેલા અગ્નિશામકના સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમ છતા આગ પર કાબૂ મેળવાયો ન હતો. ત્યારે પાલિકા ના ફાયર ફાઈટરને જાણ કરતા તે તાત્કાલીક દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

આ આગની ઘટનામાં એસ.ટીનો આગળનો ભાગ બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. જેથી તમામે રાહતનો શ્વાસ લીધો હતો. શોર્ટ સર્કિટથી બસમાં આગ લાગી હોવાનું એસ.ટીના કર્મીઓ અનુમાન લગાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...