સીંગવડ તાલુકાના મંડેર ગામના પિતા-પુત્ર મોટર સાયલ ઉપર સંજેલી બજારમાં જતાં હાંડી ગામે છકડાએ પાછળથી ટક્કર મારતાં ફંગોળાયેલા પિતાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે પુત્રને માથામાં તથા શરીરે ઇજાઓ થઇ હતી. અકસ્માત સંદર્ભે અજાણ્યા છકડા ચાલક વિરૂદ્ધ રંધીકપુર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના મંડેર ગામના ભુરીયા ફળિયામાં રહેતો વિકેશભાઇ માનસીંગબાઇ ભુરીયા તેના પુત્ર સાવજ સાથે શુક્રવારના રોજ જીજે-20-એએમ-9882 નંબરની બાઇક લઇને બારેક વાગ્યાના અરસામાં સંજેલી બજારમાં કામ અર્થે જવા માટે નિકળ્યો હતો. તે દરમિયાન રસ્તામાં અગારા ગામે રોડ ઉપર નદિના નાળા વાળી જગ્યાએ ઢાળ ચડતાં પાછળથી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આવતાં રેકડાના અજાણ્યા ચાલકે વિકેશની મોટર સાયકલને ટક્કર મારી એક્સિડન્ટ કરતાં વિકેશભાઇ બાઇક ઉપરથી ફંગોડાઇ રોડ ઉપર પટકાતા માથામાં પાછળના ભાગે તથા શરીરે ઇજાઓ થઇ હતી.
પાછળ બેઠેલા તેના પુત્રને પણ માથામાં તથા શરીરે નાની મોટી ઇજાઓ કરી રેકડો લઇ ચાલક નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત પિતા-પુત્રને 108 દ્વારા સારવાર માટે સીંગવડના સી.એચ.સી. ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રિફર કરતાં ગોધરા સિવિલ અને ત્યાંથી વડોદરા સિવિલ છેલ્લા વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વિકેશનું મોત નિપજ્યું હતું. અકસ્માત સંદર્ભે મુકેશભાઇ માનસીંગભાઇ ભુરીયાની ફરિયાદના આધારે રંધીકપુર પોલીસે અજાણ્યા છકડા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.