આડેધડ કામગીરી:દાહોદમાં સ્માર્ટ સીટીની કામગીરી માટે  ખોદેલા ખાડામાં બાઈક ચાલક ખાબક્યો

દાહોદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોટરસાયકલ ચાલક પડી જતાં દોડધામ મચી સ્માર્ટ સીટીના આયોજન વિહોણા કામોથી શહેરીજનોને હાલાકી

દાહોદ શહેરમાં આવેલા ગરબાડા ચોકડી સ્થિત પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલતી હતી. જોકે, આ કામગીરી છેલ્લા કેટલાંક સમયથી બંધ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ સ્થળે ખોદવામાં આવેલા ઉંડા પાણી ભરેલા ખાડામાં એક મોટરસાઈકલ ચાલક ત્યાંથી પસાર થતાં તે અકસ્માતે ખાડામાં મોટરસાઈકલ સાથે પડી જતાં વિસ્તારમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનીકો દ્વારા મોટરસાઈકલ ચાલકને ભારે જહેમત બાદ ખાડામાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.

દાહોદ શહેરમાં સ્માર્ટ સીટીના કામો માટે છેલ્લા ઘણા સમયથી શહેરમાં ઠેક-ઠેકાણે વગર પ્લાનીંગ, અધિકારી, કોન્ટ્રાક્ટરોના તાલમેલના અભાવે અને આયોજનના અભાવે જ્યાં જુઓ ત્યાં આડેધડ સ્માર્ટ સીટીના નામે પાઈપ લાઈન નાંખવાની અને ગટર લાઈન નાંખવાની કામગીરી માટે ખોદકામ કરી દેવામાં આવ્યું છે. મુખ્ય માર્ગોથી લઈ અનેક વિસ્તારોને ડાઈવર્ઝન આપવામાં આવ્યાં છે. તહેવાર ટાણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે.

લોકોનો આક્રોશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે ત્યારે આજે એક ઘટનાને પગલે એક મોટરસાઈકલ ચાલકનો જીવ માંડ બચ્યો છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ શહેરમાં આવેલા ગરબાડા ચોકડી બ્રિજ નીચે પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી હતી પણ અગમ્ય કારણોસર આ કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ હતી. આ સ્થળે ઉંડો ખાડો ખોદી દેવામાં આવ્યો છે. આ ખાડાની આસપાસ પતરા લગાવી દેવામાં આવ્યાં છે. આ સ્થળેથી એક મોટરસાઈકલ ચાલક ત્યાંથી પસાર થતાં અચાનક મોટરસાઈકલના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતાં મોટરસાઈકલ સાથે આ ખાડામાં ચાલક પડી ગયો હતો. આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યાં હતાં અને લોકોએ દોરડાની મદદથી અને કોઈક તરવૈયાએ ખાડામાં પડી મોટરસાઈકલ ચાલકને ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...